||સ્ટ્રીટ લાઈટ, પંચામૃત પૂર્તિ||
દિવસ આખો ઓફિસમાં ભેજામારી કર્યા બાદ, લગભગ રાતના ૮ વાગ્યે કેરીની ચુસાયેલી ગોટલી જેવો પતિ ઘરે પહોંચે છે, અને એની રાહ જોતી પત્નીનો ચહેરો જોતા જ એને ખ્યાલ આવી જાય છે કે એનું માથું સખત દુઃખી રહ્યું છે. પરિસ્થિતિનો ખ્યાલ આવતા જ એણે પોતાનો આખા દિવસનો થાક ખંખેરી કહ્યું, "બોલ, આજે તારે શું જમવું છે? ખીચડી-કઢી બનાવું?". ચહેરા ઉપર સ્મિત સાથે પત્નીએ કહ્યું, "આજે ઓફીસ માં બહુ કામ રહ્યું ને? દેખાય છે તારા ચહેરા ઉપર, મેં રસોઈ બનાવી જ લીધી છે." નોકરીને લીધે પરિવારથી દૂર બીજા શહેરમાં વસતા પતિ-પત્નીની પરિસ્થિતિ સ્કુટરના બે પૈડાં જેવી હોય છે. બે માંથી એકપણ ખોટકાયું એટલે વાહન ઉભું જ રહી જાય. નાના હોઈએ ત્યારથી દીઠેલો છોકરા કે છોકરીનો ભેદ મોટેભાગે પરણ્યા પછી ટીમ-વર્ક બની જતો હોય છે. કમરતોડ ભાવ વધારા અને જિંદગી જીવવાની વધતી જતી કિંમતને લીધે આજે કોઈપણ દંપત્તીને સ્ત્રી કે પુરુષના કરવા લાયક કાર્યો વચ્ચે ભેદ-રેખા કરવી પોસાય એમ જ નથી. જ્યાં પતિનો પનો ટૂંકો પડે ત્યાં પત્ની ખૂટતી જગ્યા પૂરે અને પત્નીનો પનો ટૂંકો પડે ત્યાં પતિ પહોંચી જાય. એટલી સમજદારી જો જિંદગીના આગળના ૨૫ વર્ષોમાં આપણાં સંતાનો ને આપીએ ને તો જિંદગીના પાછળના ૫૦ કે ૬૦ વર્ષ એ આબાદ સફળતાથી જીવી જશે. ક્યાંક ને ક્યાંક "છોકરો" અને "છોકરી"ની ભેદ રેખા આપણે જાતે જ સર્જી લીધી છે એવું નથી લાગતું? એક શિક્ષિત સમાજમાં જો એક માઁ ૯ મહિના પરિશ્રમ વેઠીને બાળકને જન્મ આપે છે, તો એક પિતા પણ એ ૯ મહિના પગ વાળીને બેઠો નથી હોતો. જો એક સ્ત્રીનું સ્ત્રી-તત્વ એના પતિ અને બાળકની રક્ષા કરવા, એને પ્રેમની હૂંફ આપવા તરફ દોરે છે; તો એક પુરુષનું પુરુષ-તત્વ પણ એને પોતાના પરિવારનું ભરણ પોષણ કરવા અને ભવિષ્યને સલામત કરવા તરફ દોરતું હોય છે. અર્થ એનો એવો કદાપિ નથી કે સ્ત્રી બહાર જઈ કમાઈ ન શકે કે પુરુષ રસોડામાં કડછો ઉપાડી ન શકે. કુદરતે વિશ્વમાં જન્મનારી દરેક વ્યક્તિ ને વિશિષ્ટ બનાવી છે, તો બની શકે ને કે કાર્ય કરવાની પસંદ-નાપસંદ પણ અલગ હોય? કોઈક સ્ત્રીને કમાવું પસંદ હોય, તો કોઈ પુરુષને ઘરકામ પસંદ હોઈ શકે. તો વળી, ઘરમાં પાણીનો પ્યાલો ન ઉપાડતા પુરુષો; પત્નીની બીમારીમાં આખા ઘરની જવાબદારી ઉઠાવી લેતા હોય એવુંય બને. પ્રશ્ન મને એમ છે કે આપણે ભેદ કરીએ જ શું કામ છીએ? શા માટે નાનપણથી છોકરો રડે તો એને તરત જ એમ કહીએ છીએ કે, "છોકરી છે કે રડે છે?" શા માટે કોઈ ફૂલ જેવી છોકરીની સામે આપણે આપણા છોકરા પ્રત્યે એવો પક્ષપાત કરી બેસીએ છીએ કે એને છોકરાની આખી જાતી પ્રત્યે નફરત થઈ જાય? જરા વિચાર તો કરો, સ્ત્રીનું સ્ત્રી-તત્વ અને પુરુષનું પુરૂષ-તત્વ એકબીજાને ધિક્કારવા માંડશે તો જિંદગીનું ગાડું ગબડશે કઈ રીતે? એમાંય આજના યુગમાં તો બધું જ શક્ય છે. તમારા સંતાન ઘર સાચવશે કે ઘર સાચવવા બે પૈસા કમાશે એનો નિર્ણય એની જાતિ ઉપરથી શું કામ લેવો જોઈએ? સ્ત્રી હોય કે પુરુષ, છોકરો હોય કે છોકરી; સંતાનોને સારા "માનવ" બનાવીએ. એ જ આજના સમાજની માંગ છે. "હું એક પુરુષ છું" અથવા "હું એક સ્ત્રી છું" એવા ભેદ કરવા કરતા "હું એક લાગણીશીલ, ભરોસાપાત્ર, સંવેદનશીલ માનવ છું" જો એવી ભાવના સમાજની દરેક વ્યક્તિમાં નાનપણથી જ સીંચવામાં આવે ને તો સમાજના ૯૯% પ્રશ્નો હલ થઈ જાય. વિચાર કરી જુઓ, સ્ત્રી બનવું કે પુરુષ એ તમારા હાથમાં હતું? નહીં ને! તો પછી કોઈપણ જાતી હોવાના મિથ્યા અભિમાનમાં ફરવા કરતા કશુંક એવું કેમ ન કરીએ કે જેથી તમારો, તમારા પરિવારનનો અને તમારા સમાજનો ઉદ્ધાર થઈ જાય? સ્ત્રી અને પુરુષ એ સમાજના બે અભિન્ન અંગ છે અને એ કાયમ જ રહેવાના. કોઈપણ જાતિ ઉપર અત્યાચાર કરતી વ્યક્તિ, પછી એ પુરુષ હોય કે સ્ત્રી એ સમાજનું દૂષણ છે. જેમ એક આતંકવાદીનો કોઈ ધર્મ નથી હોતો, એવી જ રીતે સમાજ દૂષિત કરતી વ્યક્તિની પણ કોઈ જાતિ નથી હોતી. એક વ્યક્તિ એ કરેલા કુ-કર્મોની સજા આખે આખી જાતિને ફટકારવી એ કેટલું યોગ્ય ગણાય? સ્ત્રી-તત્વનું સશક્તિકરણ જરૂરી છે જ, પણ ક્યાંક એ સશક્તિકરણની હોડમાં સ્ત્રી-તત્વ અને પુરુષ-તત્વ એકબીજાને ધિક્કારે નહીં એ જોવું પણ આપણી જ જવાબદારી છે. એક પતિ અને પત્નીમાં કોણે કયું તત્વ અંગીકાર કરવું એનો નિર્ણય આપણે એમની ઉપર જ છોડી દઈએ તો? આપણે તો બસ એક માઁ બાપ તરીકે આપણી સંતાનના પહેલા ૨૫ વર્ષ સાચવવાના છે. પોતાના પુત્રને એક સારી કેળવણીની સાથે ઘરના તમામ કાર્યો જાતે કરતા શીખવીએ અને પોતાની પુત્રીને બેધડક રાત્રે ૨ વાગે દવાની દુકાને દવા લેવા મોકલીએ. કોઈપણ જાતિ પ્રત્યેની નફરત ક્યારેય તમને જીવનમાં સુખ નહીં આપી શકે. રાધા-કૃષ્ણ હોય કે શિવ-પાર્વતી મહિમા સદૈવ યુગ્મનો રહ્યો છે, ટીમ વર્કનો રહ્યો છે અને સદૈવ રહેવાનો જ!
સ્ટ્રીટ લાઈટના લબુક-ઝબુક :
ન તો હું પુરુષ બનું કે ન બનું હું એક સ્ત્રી,
બનવું જ હોય તો એક “માનવ” કેમ ન બનું?;
હું માનવી “માનવ” થાવ તોયે ઘણું!!
-તિર્થંક રાણા (Tirthank Rana)