ધુળેટી!….ઉત્સવ વહી…રીત નઈ!!

(પંચામૃત પૂર્તિ, ફૂલછાબ સમાચાર, તિર્થંક રાણા)

બાળ-કૃષ્ણ વૃંદાવનમાં એક મુઠ્ઠી ભરીને માટી પોતાના મોઢામાં મૂકે, ને એમણે ખાધેલી એ એક મુઠ્ઠી માટી; માઁ યશોદાને કૃષ્ણના મુખમાં સમગ્ર બ્રહ્માંડના દર્શન કરાવે. આ તાકાત છે આપણાં દેશની માટીની. માટીમાંથી પણ સિંહપુરૂષો જન્મી શકે એનો સાક્ષાત્કાર કરાવનાર જો કોઈ હોય તો એ આ દેશની માટી છે. આ દેશની માટી સાથે જોડાયેલ પ્રત્યેક વ્યક્તિ, પછી એ દેશની સરહદ ઉપર લડતી હોય કે સરહદની અંદર રહી સર્જનાત્મક કાર્યો કરતી હોય; એ દેશની માટીનો માણસ છે. વળી, હમણાં તો માટીની મૌસમ ચાલે છે. દેશભક્તિના સૂર ચારેય તરફ ફેલાયેલા છે. તો આવી કિંમતી માટીને વધાવી લેતો, તન-મન ને રંગોથી ભરી દેતો ધુળેટી જેવો ઉત્સવ ઉજવીએ નહીં એ કેમ ચાલે? ધુળેટી તો રંગોનો ઉત્સવ છે સાહેબ, પોતાની પ્રિયતમાને મનગમતા રંગે રંગવાનો અને એના હાથે રંગાવાનો ઉત્સવ છે, પતિ-પત્નીના જીવનમાં આવતા સુખ-દુઃખના રંગોને એકબીજાના ચહેરા ઉપર વહેંચવાનો ઉત્સવ છે. કેટલાય વર્ષોની દુશ્મનીને પલકવારમાં ઓગાળી નાખવાનો અવસર છે. કેસૂડાના રંગે કેસરિયા કરનારાઓને યાદ કરવાનો આ મહોત્સવ છે. આ ઉત્સવના ઘણાય રંગો છે. આમાં વડીલોના આશિર્વાદ વરસાવતો સોનેરી રંગ પણ છે અને પ્રેમનો અહેસાસ કરાવતો ગુલાબી રંગ પણ છે. આપણી સંસ્કૃતિ આપણને આખા વર્ષમાં એક દિવસ એવો આપે છે કે જયારે આપણી આસપાસની રંગીન દુનિયાના રંગમાં સ્વયંને ઓગાળી શકીએ; કુદરત સાથે તરબોળ થઇ શકીએ; મનમાં રહેલા નિરાશાના રંગોને ખંખેરી શકીએ અને રંગબેરંગી આશાઓની ભાત આપણા માનસ ઉપર કંડારી શકીએ. અહીં પ્રશ્ન એ છે કે, જયારે કુદરત આપણને એના રંગમાં રંગાવાનો મોકો આપે છે ત્યારે આપણે કુદરતને શું આપીએ છીએ? આપણે આપીએ છીએ હજારો લીટર પાણીનો એક જ દિવસમાં થતો વેડફાટ, જ્યાં-ત્યાં ફેંકેલી ગુલાલની ખાલી થયેલી પ્લાસ્ટિકની થેલીઓ અને એવું ઘણું કે જે આપણા ઉત્સવને પર્યાવરણ ઉપર કરવામાં આવતી એક શિક્ષા બનાવી મૂકે છે. એક મિનિટ! એનો અર્થ એવો નહીં કાઢતા કે ઉત્સવને ઉજવવાનો જ નહીં; એ તો પેવેલીયનમાં બેઠા બેઠા જ ક્લીન બોલ્ડ થવા જેવી વાત થઈ ગઈ. ઉત્સવોનો ઉમંગ વ્યક્તિમાં જીવન જીવવાની નવી હોંશ અને આનંદ ભરી દેતો હોય છે. એકધારી પાટા ઉપર દોડતી જીવનની ગાડીને એ નવી દિશા અને આશા દેતો હોય છે. પણ જરા વિચારો, આજના જમાનામાં જૂની અને ઓછી એવરેજ આપતી ગાડીથી લાબું અંતર કાપવું પોસાય ખરું? જમાનાની માંગ મુજબ આપણી રહેણી-કરણી, વાહન વ્યવહારની વસ્તુઓ અને જીવન જીવવાની ઢબમાં મોટા ફેરફાર થયા છે. પોસ્ટ-કાર્ડ દ્વારા એક-એક મહિના ચાલતા વાર્તાલાપ આજે ઘડીના છઠ્ઠા ભાગમાં આંગળીને ટેરવે થઇ રહ્યા છે. દુનિયા સમયની ઝડપથી ગતિ કરી રહી છે; તો ઉત્સવોને ઉજવવાની રીતમાં પણ સમયની સાથે બદલાવ તો થવો જોઈએ ને? આપણે બિમાર પડીએ અને ડૉક્ટર બહારનું કે પચવામાં અઘરું પડે એવા ખોરાકની સદંતર ના પાડી દે એના કરતા એવી દિશામાં પ્રયાસો કેમ ન કરવા કે જેથી બીમારી આવે જ નહિ અને મોજથી જીવી પણ શકીએ? તો ધુળેટીના આ રંગીન પર્વે આપણે એવું તે શું કરી શકીએ કે જેથી આપણી અને કુદરતની એમ બંનેની ગરિમા જળવાઈ જાય? હાલમાં જ એક ધાર્મિક સ્થળે નવીનતમ પહેલ કરી; ધુળેટી ઉજવવા પાણીની જગ્યાએ ફૂલોનો ઉપયોગ કર્યો. આમેય આપણી ઉપર તોળાતા જળસંકટથી આપણે ક્યાં અજાણ છીએ! આવું કંઈક નવું અંગીકાર કરીએ તો? પાક્કા રંગોનો ઉપયોગ ટાળી શકીએ; એટલા માટે તો ખરું જ કે એ ત્વચા માટે નુકશાનકારક છે પણ એટલેય ખરું કે એ રંગોને ત્વચા ઉપરથી કાઢવા વધુ માત્રામાં પાણીની જરૂર પડતી હોય છે. જો બને તો ધુળેટી રમતી વેળાએ વાળ ઢાંકી શકે એવું કપડું બાંધી શકીએ; રંગવાળા વાળ સાફ કરવા વપરાતા પાણીનો આબાદ બચાવ કરી શકીએ! ખાલી થયેલી ગુલાલની થેલીઓ ને ફેંકવા કચરાપેટીની શોધ કરી શકીએ. આ સમય છે અંતરમાં રહેલ માનવીને ઢંઢોળવાનો અને એને સવાલ પૂછવાનો; કે આપણો ઈરાદો તો ઉત્સવ ઉજવવાનો છે ને?? તો પછી એ કેસુડાથી હોય કે પાક્કા ઓઇલ પેન્ટ કલરથી, ફરક શું પડવાનો? જેમ કોઈક મોંઘી દાટ હોટેલમાં ગમે તેટલા રૂપિયા ખર્ચીને પણ તમે તો માત્ર એટલું જ ખાઈ શકવાના જેટલી તમારી હોજરી છે, ગજા બહારની વસ્તુઓ પ્લેટમાં લેવાથી અન્ન પેટમાં તો જશે નહિ પણ કચરાપેટીમાં ચોક્કસ જશે. રંગ કેટલો લગાડવો કે પાણીનો ઉપયોગ કેટલો કરવો જોઈએ એ બાબત કદાચ વ્યક્તિગત જાગૃતિની છે. બાકી જો આવનારી પેઢીઓને એક ઉજ્જવળ ભવિષ્ય અને ઉત્તમ પર્યાવરણ દેવાની હોંશ હૈયે કેળવીશું ને તો શું કરવું.... ને શું ન કરવું...એની સમજ આપમેળે આવી જશે. વાત ઉત્સવોને નિરસ બનાવવાની નથી; વાત છે એને સમયની માંગ મુજબ સાચી રીતે ઉજવવાની કે જેથી એનો ખરો રસ જળવાઈ રહે. ચાલો જવાબદારી ઉઠાવીએ પરિસ્થિતિને અપડેટ કરવાની... સાચી દિશા તરફ લઇ જવાની.... ને હા! માટીના માણસ થઈને માટીનો ઉત્સવ સમજદારી પૂર્વક ઉજવી લેશુંને તો ઓલો માટી ખાનારો મુરલીધર અંતરના રાજીપાની સાથે આપણી સાથે ધુળેટી રમવા પધારેને તો નવાઈ નહિ!!

લબુક-ઝબુક:
|| અતિ સર્વત્ર વર્જયેત ||
આ “અતિશયોક્તિ” થયાની સમજ જ છે કે જે માનવીને વિશ્વના અન્ય પ્રાણીઓથી એક મુઠ્ઠી ઉચેરો બનાવતી હોય છે!!

-તિર્થંક રાણા(Tirthank Rana) , સ્ટ્રીટ લાઈટ કોલમ, પંચામૃત પૂર્તિ

-તિર્થંક રાણા(Tirthank Rana)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s