મુલ્લા નસીરુદ્દીન એક તળાવને કિનારે માછલી પકડવા બેઠા. લગભગ બે કલાક વીત્યા હશે ત્યાં એક વ્યક્તિએ આવીને એમને કહ્યું: “મુલ્લાજી ક્યારનો જોઉં છું કોઈ માછલી પકડાતી કેમ નથી??”
મુલ્લા એ શાંત સ્વરે ઉત્તર આપ્યો, “આવશે દોસ્ત… આવશે!”
ફરી બે કલાક વીત્યા, એટલે પેલી વ્યક્તિને ફરી ચટપટી થઇ.” મુલ્લાજી તમે લોટ તો બરાબર લગાડ્યો છે ને? જરા જોઈ લ્યો, કેમ એકેય માછલી ફસાતી નથી?”
“હા! બધું બરાબર છે, ફસાશે થોડી વાર માં!” ફરી મુલ્લાજી એ ઠંડા કલેજે ઉત્તર વાળ્યો.
લગભગ ૬ કલાક વીત્યા અને હવે પેલા વ્યક્તિથી રહેવાયું નહિ એટલે એ આસપાસમાં ચક્કર લગાવી તપાસ કરી આવ્યો અને તળાવને કિનારે બેઠેલા મુલ્લાજી ને કહ્યું: “સાહેબ મેં બધી જ તપાસ કરી લીધી છે. અહીંથી માત્ર બે કિલોમીટર દૂર એક તળાવ છે, જેમાં ખૂબ બધી માછલીઓ છે. તમે ત્યાં જાઓ….અહીંયા તો ૫-૬ કલાક શું, આખી જિંદગી બેસશો ને તોયે માછલી નહિ પકડાય! કારણ કે આ તળાવ માં માછલી જ નથી!”
મુલ્લા ના ચહેરા ઉપર સ્મિત ઉપસી આવ્યું અને એ સાથે જ એણે કહ્યું: “મને ખબર છે કે આ તળાવમાં એકેય માછલી નથી; પણ જો સંજોગે કોઈ એક માછલી આ તળાવમાં મેં પકડી લીધી ને તો કાલે સવારે છાપામાં મારું નામ ચોક્કસ આવશે.”
શું તમે પણ એ જ કરો છો જે બધા કરે છે? તો કદાચ તમે પણ પેલા વ્યક્તિની વાત માની ને ખૂબ બધી માછલીઓ વાળા તળાવમાં માછલી પકડવા ચાલ્યા ગયા છો. આ દુનિયામાં સલાહ કે સૂચન આપવા વાળાનો તોટો નથી. પણ યાદ રાખજો કોઈ અલગ પરિણામ લાવવા કોઈ એવા અસાધારણ પ્રયત્નો પણ કરવા પડતા હોય છે, જે કરવાથી દુનિયા ડરે છે. એ પ્રયત્ન કરવામાં જરૂરી નથી કે ચોક્કસ સમયે સફળતા મળી જ રહે. પણ હા! દુનિયાથી અલગ કરવાનો સંતોષ, કોઈક રસ્તો જાતે કંડાર્યાનો હાશકારો ગાડરિયા પ્રવાહ કરતા એક મુઠ્ઠી ઉંચેરો રહેવાનો.
કદાચ મેં આ શેરમાં પૈસા રોક્યા હોત ને તો આજે એની કિંમત અનેક ગણી હોત, આ નોકરી જો મેં લઇ લીધી હોત ને તો આજે મારું કેરિયર ક્યાં નું ક્યાં હોત, અને આવા કેટલાય બીજા પ્રશ્નો આપણને સમયે-સમયે ઘેરી વળતા હોય છે. પણ જે સમયે જે થવાનું હતું તે થઇ જ ચૂક્યું છે. જરૂરી છે કે અત્યારે સામે ઉભેલી પરિસ્થિતિને આપણે કઈ રીતે જોઈ રહ્યા છીએ. યાદ રહે કે, આપણો જન્મ કોઈ સ્ટાન્ડર્ડ બુકલેટ જોડે નહોતો થયો કે જેમાં જિંદગી જીવવાની રીત લખેલી હોય. આપણી જિંદગીને આપણે જાતે લખી રહ્યા છીએ; દુનિયા ને દર્શાવી રહ્યા છીએ કે જુઓ…..આમ જીવાય! અથવા તો જુઓ…..આમ ન જીવાય! જીવન નામના પુસ્તકના પાનાં માત્ર જીવીને જ લખી શકાય એ દુનિયાનું એક માત્ર એવું પુસ્તક છે કે જેને જીવીને જ લખી શકાય છે.
તો વળી, કોઈક ના નિર્દેશેલા માર્ગ ઉપર ચાલવામાં કશું ખોટું નથી; પણ જે તળાવમાં માછલીઓ મોટી સંખ્યામાં હોય ત્યાં માછલી પકડવાની નોંધ દુનિયા નહિ લે. સોનાની કિંમત એટલે જ છે કારણ કે તે બહુ જૂજ માત્રામાં પૃથ્વી ઉપર ઉપલબ્ધ છે; પણ સોનુ બનવા તપવું પડે. કશુંક અંદર પીગળાવવું પડે; નક્કી આપણે કરવાનું છે કે સોનુ બની કોઈકનું આભૂષણ બનવું છે કે લોખંડ બની ચૂલે તપવું છે.
ધારેલી સફળતા મેળવવા ક્યારેક અણધાર્યા પ્રયત્નો; લોકો કરતા અલગ દિશામાં કરવા પડતા હોય છે.
કદાચ… પોતાની જાત ને પથ્થરમાંથી મૂર્તિ બનાવવાની સાચી રીત પણ આ જ હશે, નહિ??
-તિર્થંક રાણા(Tirthank Rana)