એક હતો છોકરો અને એક હતી છોકરી. બંને વચ્ચે પ્રેમ થયો, બંનેએ એમના માતા-પિતાને વાત કરી અને એમણે રાજી ખુશીથી લગ્ન કરાવ્યા. વાર્તા પૂરી. એક હતો યુવાન, એને ખોલવી હતી એક કોલેજ; જે વગર પૈસે છોકરાઓને ભણાવે; કરી એણે સરકારમાં અરજી, રાજી ખુશી સરકાર એની અરજી માની ગઈ, કોલેજ ખુલી ગઈ, છોકરાઓ ભણવા લાગ્યા અને થઇ ગઈ વાર્તા પૂરી. એક હતો રાજા; એક હતી રાણી; બંને એ જમવામાં ખાધી પુરી. વાર્તા પૂરી. ઉપરોક્ત તમામ વાર્તાઓમાં કંઈક ખૂટતું હોય, કંઈક અધૂરું હોય એમ નથી લાગતું? તો ચાલો એ જ વાર્તાઓમાં સહેજ ફેરફાર કરી જોઈએ. એક હતો છોકરો. જે હતો તો ભારતીય પણ અભ્યાસ લંડનમાં કરતો, એક હતી લંડનમાં રહેતી ભારતીય છોકરી કે જે વેકેશન માણવા યુરોપની ટુરમાં જાય. આ ટુરમાં એ પેલા છોકરાને મળે અને એમની વચ્ચે પ્રેમ થાય; છોકરીના પિતા એને લગ્ન કરવા ભારત લઇ આવે, અને દર્શકગણ હવે શું થશેની ઇંતેજારી સાથે સિનેમાઘરોની સિટ ખોતરી નાખે. આ બાજુ પેલો છોકરો પણ આ છોકરીની શોધમાં ભારત આવે અને અઢી કલાકની માથાકૂટ પછી દર્શકગણ જયારે છોકરો અને છોકરીને મેળવવા આતુર બને ત્યારે ફિલ્મના વિલન એવા પિતા નમતું ઝોખે અને છોકરીનો હાથ છોકરાને દેવા રાજી થઇ જાય! ત્યારે બને '૯૦ ના દાયકાની ફિલ્મ "દિલવાલે દુલહનીયા લે જાયેંગે". એક અમેરિકાથી ભણીને આવેલા યુવાનને દેશમાં સમાજ સેવા માટે મફત ભણાવતી સંસ્થા ખોલવી હોય. સરકારમાં સડી ગયેલા બાબુઓ એના અડધા જ થયેલા બાંધકામ ઉપર રોક લગાવી દે અને એ યુવાનને પાયમાલ કરી નાખે. આ બાજુ એને જે સ્ત્રી પસંદ પડે એની સાથે ગ્રહો ન મળે, જો લગ્ન થયા તો અમંગળ થવાની આગાહી પંડિત કરે અને આટલી બધી વિષમતાઓ હોવા છતાં દેશ આખાના નેતાઓની બ્લેક મની લઈને પેલો યુવાન ફરી પાછું પોતાનું અધૂરું રહી ગયેલું સ્વપ્ન પૂરું કરે, સરકારમાં રહેલા વિલનને મોતને ઘાટ ઉતારે; ત્યારે બને છે દક્ષિણની બ્લોકબસ્ટર ફિલ્મ "શિવાજી: ઘી બોસ"! એક હતો રાજા, જેના અપંગ મોટાભાઈને એક પુત્ર હોય છે અને રાજાના અકાળ મૃત્યુ બાદ એની પત્ની પણ એક પુત્રને જન્મ આપી મૃત્યુ પામે છે. રાજ્યની બંને સંતાનોનો ઉછેર મોટાભાઈની પત્ની કરે. બંને સંતાનો મોટા થાય, યુદ્ધ કલામાં પારંગત થાય અને એક દિવસ રાજ્યનો વર્ષો જૂનો સેવક, વાર્તાનો નાયક જેને મામા કહી સંબોધતો, એવો સેવક મટી પરિવારનો એક સભ્ય બની ગયેલ વ્યક્તિ છળથી વાર્તાના નાયકની હત્યા કરી નાખે, અને સમગ્ર ભારતમાં એક જ સવાલ વાઇરલ બને, "કટપ્પાને બાહુબલી કો કયું મારા?" ભારતમાં તો ઠીક ચાઈનામાં પણ લખલૂટ કમાણી કરી ચુકેલી આ વાર્તા એટલે રાજામૌલી દ્વારા નિર્મિત બે ભાગમાં આવેલી ફિલ્મ બાહુબલી. નાના હતા ત્યારે સામાયિકમાં આવતી વાર્તાના વિલન ઉપર ગુસ્સો આવતો. આપણે એ વાર્તામાં હોત તો વિલનના શું હાલ કરત એનું રિહર્સલ પણ કરી જોતા. જંગલબુકમાં શેરખાન સ્ક્રીન ઉપર આવે અને ભય સાથે ગુસ્સાની મિશ્ર લાગણીઓ અંતરમાં ઉદ્દભવતી ને? બસ એવું જ! પણ ધારોકે એ વાર્તામાંથી શેરખાનના પાત્રની જ બાદબાકી કરી નાખીએ તો? મોગલી એ જંગલમાં માત્ર ખાધું પીધુંને મોજ કરી હોત તો? આખીયે રામાયણમાંથી મંથરાના પાત્રની બાદબાકી કરી નાખીએ તો? દ્રૌપદીએ દુર્યોધનને જયારે એમ કહી અપમાન કર્યું કે, "આંધળાનો દીકરો આંધળો!" ત્યારે દ્રૌપદીના એ કડવા વેણ સામે દુર્યોધને જો તર્ક વાપરી એમ વિચાર્યું હોત કે, "એના બોલવાથી હું આંધળો થોડો થઇ જવાનો!" વાત ત્યાં જ સમેટાઈ ગઈ હોત તો?? ખરા અર્થમાં પૂછો તો આપણે સહુએ વાર્તાના ખલનાયક પાત્રો જેવા કે મંથરા, શકુની, દુર્યોધન, રાવણ, તો વળી કાલ્પનિક વાર્તાઓની વાત કરું તો એવેન્જર્સ ફિલ્મના થાનોસ, બાહુબલીના ભલ્લાલદેવ, શાનના શાકાલ અને બીજા ઘણા ખલનાયકોના ઋણી છીએ એમ નથી લાગતું? જો મંથરા એ કૈકેયીના કાન ન ફૂક્યાં હોત, દુર્યોધન જો મામા શકુની ની ચાલે ચાલ્યો ન હોત, રાવણ જો સીતા હરણ ન કરત; તો વિશ્વ આખું એવા મહાકાવ્યો કે ગ્રંથોથી વંચિત રહી જાત કે જે હજારો ને લાખો વર્ષોથી માનવ જીવનને પ્રેરણા આપી રહ્યા છે. અરે! માનવ માત્રનો મોહ દૂર કરતી, રણમેદાનમાં ફરી લડવા તત્પર કરતી, મોહથી મોક્ષ સુધીની યાત્રા કરાવતી શ્રીમદ્દ ભગવદ્દગીતા પણ ક્યાંથી હોત? વિશ્વમાં જન્મેલી કોઈપણ પોઝિટિવ શક્તિઓનું મહત્વ એટલે જ છે કારણકે ક્યાંક કશુંક ખોટું થઇ રહ્યું છે, કશુંક એવું કે જેને ફરી પાછું લયબદ્ધ કરવું જરૂરી છે. સત્યનો મહિમા એટલે જ છે કારણ કે વિશ્વમાં ક્યાંક અસત્ય પણ હાજર છે. આપણા જીવનમાં આવતી કઠિન પરિસ્થિતિઓ,જીવનની નિષ્ફળતાઓ એ આપણી પોતાની વાર્તાના ખલનાયકો છે. જે આવે ત્યારે અતિશય દુઃખદાયી હોય છે; પણ પોતાની અંદર રહેલા નાયકને વધુ ને વધુ મજબુત બનાવતા જાય છે. જીવનરૂપી વાર્તાનો ખરો રસ એણે ઝીંક ઝીલેલી નિષ્ફળતાઓમાં રહેલો છે, જેને નફરત કરો છો એ જ તમને સફળ બનાવતું હોય છે! શાંત દરિયે સફળ ખલાસી બનાય ખરું?
લબુક -ઝબુક:
મજબૂત ખલનાયક વગરની વાર્તા,
એ મજબૂત વિપક્ષ વગરના રાજકારણ જેવી હોય છે, નહિ?
-સ્ટ્રીટ લાઈટ કોલમ, તિર્થંક રાણા