નવરાશની પળોમાં અમે બધા દીવાનખંડમાં બેઠા હતા. ધીમે અવાજે રેડિયો ઉપર જુના ગીતની માત્ર કડીઓ વાગી અને ઘડીના છઠ્ઠા ભાગમાં મમ્મીએ કહ્યું, "વાહ... આતો રફી સાહેબનું; જો વાદા કિયા વો...ગીત!" અને થોડીક જ ક્ષણોમાં એમની ધારણા સાચી પડ્યાના આનંદ સાથે ગર્વભેર એ ગીતની પંક્તિઓ સાથે જોડાઈ ગયા. ગીતના શબ્દો સાંભળતા જ મેં એ શબ્દોને મોબાઈલને હવાલે કર્યા અને તરત જ મારી હરતી-ફરતી યાદશક્તિએ એ ગીત સાથે જોડાયેલી ફિલ્મ સહિતની તમામ માહિતી મોબાઈલના સ્ક્રીન ઉપર આપી દીધી. મોબાઈલમાં દેખાતી તમામ માહિતી મેં આખાય દીવાનખંડમાં પ્રદર્શિત કરી. મારી આંખોમાં કશુંક જાણતા હોવાનું અભિમાન છલકાયું અને ફરી પાછી મારી દ્રષ્ટિ મોબાઈલમાં અદ્રશ્ય થઇ ગઈ! પણ મમ્મી એ ગીતને છેલ્લે સુધી ગણગણતા રહ્યા. કદાચ એમની પાસે એ ગીતને લગતા એવા સંસ્મરણો હતા કે જે માત્ર ને માત્ર એમના પોતાના હતા. એ જ દિવસે સાંજે ફરીથી મમ્મીએ મને એ ગીત વિષે પૂછ્યું, ત્યારે રાબેતા મુજબ મને કશું જ યાદ ન હતું. કારણ કે મારી યાદશક્તિ તો મોબાઈલમાં કેદ હતી ને! એક જમાનો હતો જયારે લોકો પાસે માહિતી મેળવવાના પ્રસાધનો બહુ જ ઓછા હતા અને એટલે જ એમને મળતી પ્રત્યેક માહિતી સાથે ક્યાંક કોઈક સંસ્મરણો જોડાઈ શકતા. કદાચ એટલે જ પહેલી એપ્રિલે કઈ માહિતી "એપ્રિલ ફૂલ" બનાવી રહી છે એ શોધવાની મજા આવતી, પરંતુ આજે આપણી પાસે માહિતી એટલા પ્રમાણમાં ઉપલબ્ધ થઇ ગઈ છે કે લગભગ રોજ કોઈક ને કોઈક એવી માહિતી નજરે ચઢે કે જે "એપ્રિલ ફૂલ" બનાવતી હોય એવું લાગે. માહિતીઓના આ યુગમાં આપણે માહિતીના માત્ર સરનામાં જ જાણતા થઇ ગયા છીએ. ક્યારેય માહિતીના સરનામે પહોંચી નથી શકતા.અથવા તો એમ કહું કે માહિતીના સરનામાં એટલા સરળતાથી ઉપલબ્ધ થઇ ગયા છે કે આપણે એના રહેઠાણ સુધી પહોંચવાની તસ્દી પણ લેતા નથી. આઇપીએલની આજની મેચમાં કયો ખિલાડી કઈ ટીમથી રમવાનો છે, કઈ મેચ કેટલા વાગે છે ત્યાંથી માંડીને કોનો કેટલો સ્કોર થયો એટલું જ નહિ; મેચ જ્યાં રમાઈ રહી છે એ સ્ટેડિયમમાં અત્યારે કેટલા લોકો મેચ જોવા હાજર છે ત્યાં સુધીની તમામ માહિતીઓ આપણી પાસે આંગળીના વેઢે ઉપલબ્ધ છે. તો વળી, ચાર ચેનલ ફેંદી વળો એટલે ચૂંટણીમાં ક્યાં પક્ષે કોને ટિકિટ આપી અને કોને ઠેંગો બતાડ્યો એ બધું જ આપણી નજર સમક્ષ હાજર થઇ જાય. પણ પ્રશ્ન એ છે કે આટલી બધી માહિતીઓનું આપણે શું કરીએ છીએ? મચ્છર કરડે ને ઉપસેલા ગુમડા ઉપર ખરજ ઉપડે; થોડીક વાર થાય એટલે ખરજનું સ્થાન બળતરા લે અને પાછું બધું હતું એવું ને એવું થઇ જાય. પાણીમાં થયેલા પરપોટાની જેમ બધું જ હતું ન હતું થઇ જાય ને આપણું જહાજ ફરી નીકળી પડે કોઈક નવી માહિતીની ભાળ મેળવવા! આ બધું પેલા અલાદીનના ચિરાગ જેવું નથી લાગતું?? મોબાઈલ ગણો કે ટીવી અથવા અન્ય કોઈપણ માહિતી પ્રસાધનો એ બધા જ આપણા પ્રાઇવેટ જીની બની ગયા છે; જે માંગો એ વિપ્ર વચને હાજર કરે. ભૂખ લાગે તો સ્વિગી કે ઝોમેટો બની જાય; કંટાળો આવે તો કેન્ડી ક્રશ અને ક્યાંક બ્લાસ્ટ થાય તો ન્યુઝ એન્કર બની જાય. પણ આ જીનીની તકલીફ માત્ર એટલી જ છે કે તે માત્ર ચારેય તરફથી માહિતી ભેગી કરતો ફરે છે. જેમાં કોઈ જાતનું ફિલ્ટર નથી હોતું. અહીં, ઝેર અને અમૃત બંને એકસાથે પીરસાય છે. ક્યાંક આતંકવાદનો ખૂની ખેલ પણ લાઈવ જોવા મળે તો ક્યાંક જીવનને પાવન કરતી ધાર્મિક કથા પણ લાઈવ દેખાય. આપણે વિકસાવેલા સંસાધનો 'આઈ લવ યુ' અને 'આઈ હેટ યુ' કહેવાની અવ-નવી રીતોની માહિતી તો સરળતાથી આપી દે છે; પણ એવું તે શું કરીએ કે જેથી આઈ લવ યુ થી શરુ થયેલી વાર્તા આઈ હેટ યુ સુધી ન પહોંચી જાય; એવી સંબંધ ટકાવવાની સાચી જડીબુટ્ટી આપી નથી શકતા. અહીં માત્ર શરૂઆત છે અથવા તો માત્ર અંત છે. "તારી સાથે જીવવામાં મજા આવે છે" એવો સંવાદ અહીં અપવાદ છે. તો વળી, આ માત્ર આપણી પાસે આવતી માહિતીઓને ભાંડવાની જ વાત નથી. ક્યારેક માહિતીઓના સાગરમાંથી જ્ઞાનરૂપી મોતી પણ નીકળી આવતું હોય છે. દેશ વિદેશમાં રોજે રોજ બનતી નવી ઘટનાઓથી આપણને અપ-ટુ-ડેટ રાખવાનો ફાળો પણ આપણી આસપાસના માહિતી પ્રસાધનો ને જ આભારી છે. બસ જરૂર છે "ઇલ-લોજીકલ" સંદેશાઓની ભુલભુલામણીમાં "લોજીકલ" એટલે કે તર્ક યુક્ત માહિતીઓને શોધવાની આવડત ને કેળવવાની.શું ખબર?કદાચ આ આવડત આપણને માહિતીને સરનામે પહોંચાડી દે?? બાકી આ બધું તો એક સમુદ્ર મંથન જેવું છે. જેમાંથી ક્યારેક વિશ પણ નીકળે ને ક્યારેક અમૃત પણ. ફરક માત્ર એટલો જ છે કે માહિતીઓના આ સમુદ્ર મંથનમાં શંકર પણ આપણે છીએ અને વિષ્ણુ પણ; કયો ઘૂંટડો ગળે જ અટકાવી દેવો અને કયો ઘૂંટડો પચાવી લેવો એની પસંદગી આજે આપણા તાબા હેઠળ છે. ને આમેય ચારેય તરફથી આવતી નદીઓના પ્રવાહને પોતાની અંદર સમાવી લીધા બાદ પણ જે સમુદ્ર સ્થિર રહે એને જ તો ગીતા એ સ્થિત-પ્રજ્ઞ કહ્યો છે ને??
લબુક-ઝબુક:
ડેટા આવ્યો ને નોલેજનું ખસ્યું,
તે દેખીને ૪જી હસ્યું,
કોઈ કહે મેં દીઠું લાઈવ,
રોજ કરે સહુ વર્ચ્યુઅલ શોર!
-અખા ભગતના પ્રખ્યાત છપ્પા પરથી.
(તિર્થંક રાણા(Tirthank Rana),સ્ટ્રીટ લાઈટ કોલમ, પંચામૃત પૂર્તિ, ફૂલછાબ સમાચાર)