【જીવનમાં આવતી પીડા…આપત્તિ છે કે અવસર??】

બોર્ડની પરીક્ષા આપીને વેકેશનની મજા માણી રહ્યા હોઈએ, ત્યારે અઘરું લાગેલું કોઈ એક પેપર યાદ આવી જાય અને હૃદયના કોઈ એક ખૂણે થયેલો એ ઉઝરડો આપણી મજાના સ્વાદિષ્ટ વ્યંજનને સહેજ ખારું કરી નાખે એવું લગભગ આપણે બધાએ અનુભવેલું જ છે. પ્રેમ થાય અને એક મીઠો દર્દ અંતરમાં ઉપડે એ દર્દ તો બધાને ગમે જ પણ જીવનના કોઈ ઉત્તરાર્ધ ઉપર આપણે અનુભવેલી પીડાને આપણે સારી કહી શકીએ ખરા? આ વાત છે સાચે સાચા દર્દની. રમતા-રમતા વાગેલી એ ઠોકરોની જેણે લોહીની ધારા વહેવડાવી, છોલાયેલા એ ઘૂંટણોની કે જેની નાનકડી છાપ કાયમ માટે આપણા ઘૂંટણો ઉપર સચવાઈ ગઈ છે અને સાથે જ આ વાત છે દર્દની જીણી ચીસ પડાવી દેતી આપણી પ્રતિકૂળ પરિસ્થિતિઓની કે જેના ઘા ખૂબ ઊંડા તો છે જ પણ ક્યાંય દેખાતા નથી. આપણા અંતરમાં એ કાયમ માટે સચવાઈ ગયા છે. તો શું જિંદગીના કોઈ પડાવે સહન કરેલી આવી પીડા કે અદૃશ્ય "ઘા" ક્યારેય આશીર્વાદરૂપ હોઈ શકે ખરા? એક ઘટાદાર વૃક્ષની ડાળી ઉપર એક પંખીનો માળો હતો. માળામાં રહેલા ઈંડામાંથી એક બચ્ચું બહાર આવવાનો અવિરત પ્રયાસ કરી રહ્યું હતું. એક ઉદાર હૃદયની વ્યક્તિએ પસાર થતા આ દૃશ્ય જોયું; એ બચ્ચાનું દર્દ એમનાથી સહન ન થયું અને વિચાર્યું કે લાવને એને બહાર નીકળવામાં મદદ કરી લઉં. એણે પોતાના બે હાથો વડે ઈંડાની કાચલી તોડી બચ્ચાને દુનિયામાં લાવી દીધું. એ વ્યક્તિના હૈયે તો કોઈ જીવને મદદ કર્યાની ટાઢક થઇ પણ ખરા અર્થમાં એ મદદ નહોતી! એ બચ્ચા માટે એક શિક્ષા હતી કે જે એણે આજીવન ભોગવવાની હતી. ઈંડામાંથી બહાર આવવાના પ્રયાસો એની પાંખોને વધુ મજબૂત બનાવવાની પ્રક્રિયાનો એક ભાગ હતો; એ પીડા એને આજીવન પાંખો ફેલાવીને ઉડવા માટે જરૂરી હતી અને એ પ્રક્રિયા હવે કાયમ માટે અધૂરી રહી ગઈ હતી. આપણી સામાજિક વ્યવસ્થામાં આપણે પ્રતિક્ષણ એવા પ્રયાસો કરતા હોઈએ છીએ કે જેથી આપણને કે આપણા સંતાનને કોઈ પણ જાતની પીડા સહન ન કરવી પડે. "તારા દફ્તરનું વજન બહુ વધારે છે; તું એને નહી ઉંચકી શકે લાવ હું જ તને શાળા સુધી મૂકી જાઉં." "આટલું બધું લેસન તે કાંઈ અપાતું હશે? રહેવા દે કાલે સવારે હું શાળા એ તારા શિક્ષકને મળી જઈશ." "અહીંયા જો પડીશ ને તો વાગી જશે"; ને આવું ઘણું બધું લાગણીવશ થઈને આપણે સંતાનોને કહેતા હોઈએ છીએ. તો વળી, સંતાનના મોટા થયા બાદ પણ આપણે સતત એ તરફ પ્રયાસ ચાલુ રાખતા હોઈએ છીએ કે જેથી એના જીવનમાં કોઈપણ પીડા કે દર્દનો અહેસાસ રહે જ નહી! ક્યાંક આપણે પેલા ઈંડાની કાચલી આપણા હાથે તો નથી તોડી રહ્યા ને? થોડીક પીડા આપણે બધાએ એ સહન કરવી જરૂરી હોય છે. 'પારકી માં જ કાન વીંધે' એ નિયમ અનુસાર થોડીક પ્રતિકૂળ પરિસ્થિતિનો અનુભવ ભવિષ્યમાં આવનારા પડકારો માટે સહાયભૂત બનતો હોય છે. હા, એનો અર્થ એવો કદાપિ નથી કે સંતાનને થતી ભયંકર પીડામાં પણ આંખ આડા કાન કરી દેવા; તમે કરેલી તનતોડ મહેનત, ઉભી કરેલી સંપત્તિ એ તમારા સંતાનની સંકટ સમયની સાંકળ બનવી જોઈએ; એના સર્વાંગી વિકાસને રૂંધતી પગની બેડીઓ નહિ! જો કે, આવા વિચાર આપણને આપણી કે આપણા સંતાનની જે-તે ખોટ ખાધેલી અથવા નિષ્ફળ પરિસ્થિતિમાં ન આવે એ સ્વાભાવિક બાબત છે. સૌથી પહેલા તો આપણે એ દર્દને ગાયબ કરવાના જ પ્રયાસ કરીશું. પણ જેમ જળ છે તો જીવન છે; બસ એવી જ રીતે દર્દનો અહેસાસ જીવનમાં એક ક્યારેય ન ભૂલી શકાતો અનુભવ લઈને આવતો હોય છે. જીવનના કોઈ એક મુકામે ખાધેલી થપાટ એ જીવનભર સાથે રહેતી પુંજી બની જતી હોય છે. શરીર ઉપર ઝીલેલો એ અદૃશ્ય ઘા જિંદગીની લડાઈના એક અજેય સૈનિક બનવા તરફ આપણને કૂચ કરાવી દેતો હોય છે. એક સ્ત્રી જયારે પ્રસુતિની પીડા સહન કરે છે ત્યારે જ તો જગત આખું એને "માઁ" ની પદવી આપે છે ને? આપણને ખલનાયક વગરની ફિલ્મ જોવી ગમે ખરી? દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેમાં સિમરનના બાબુજી પહેલેથી જ ખુશી ખુશી સિમરનનો હાથ રાજને સોંપી દે; તો ફિલ્મના ક્લાઈમેક્સમાં "જા સિમરન જા, જી લે અપની ઝીંદગી!" વાળા ડાઇલોગનો મહિમા રહે ખરો?? ઈ.સી.જીના રિપોર્ટમાં છપાતી સીધી રેખા એ જીવનનો નહિ મૃત્યુનો સંદેશ છે વહાલા! ક્યારેક ખાડામાં ખાબકીશું ત્યારે જ તો બીજી વખત વાહન સાચવીને ચલાવીશું ને?? માનસપટ ઉપર ઉપસતી ઢગલાબંધ સંવેદનાઓ પૈકી પીડા કે દર્દ પણ એક અનાયાસે દેખા દેતી સંવેદના છે, જે જીવનમાં કડવાણી જેવું કાર્ય કરી જીવનને ધબકતું રાખવામાં મદદરૂપ થતી હોય છે. દર્દને સારું કહેવાનો અર્થ એ કદાપિ નહી કે પેટ ચોળીને સૂળ ઉભું કરવું; પણ જો આપણે પીડારૂપ આપત્તિને અવસર બનાવી શક્યાને તો બેડો પાર છે.

લબુક-ઝબુક:
ઘોર અંધારી રાત હોય;
ધોધમાર વરસાદ વરસતો હોય;
ત્યારે જ તો કૃષ્ણ જન્મ થાય ને!
-વ્હોટસેપિયું

(તિર્થંક રાણા, સ્ટ્રીટ લાઈટ, પંચામૃત પૂર્તિ, ફૂલછાબ સમાચાર)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s