નોંધ : ચૂંટણી કે IPLની મોસમમાં સ્નેહીજનો કે મિત્રો સાથે ઉગ્ર ચર્ચામાં ઉતરી પડતા લોકો માટે:
રવિવારની સાંજનો સમય હતો, અમે ચાર-પાંચ મિત્રોએ ભેગા મળી અમારા એક મિત્રને ત્યાં IPL ની મેચ જોવાનો પ્લાન બનાવ્યો. સીએસકે અને મુંબઈ ઇન્ડિયન્સની મેચ હતી. ક્રિકેટમાં જો રસ પડતો હોય અને “બધી મેચ ફિક્સ જ હોય છે” એવી વિચારસરણી જો ન થઇ ગઈ હોય તો નવરાશની પળોમાં મુક્ત મને મેચ જોવાની મજા જ કંઈક જુદી હોય છે. અમારા પૈકીના બે જણા સીએસકેના ફેન હતા તો બાકીના મુંબઈ ઇન્ડિયન્સને સપોર્ટ કરતા હતા. મેચનો રોમાન્ચ એની ચરમ સીમાએ હતો. જો આ સમયે વિકેટ પડે તો બે માંથી એક ટીમે હારનો સામનો કરવો પડે એમ હતું. એવામાં મારા એક મિત્રએ સામેની ટિમ માટે કાનને ડંખે એવા શબ્દો ઉચ્ચાર્યા. સ્વાભાવિક રીતે જ તમે જેને દિલથી ચાહતા હો એના વિષે અણછાજતું કઈ રીતે સાંખી શકવાના? મારા બીજા મિત્રોએ ભેગા મળી એનાથીયે વધારે ખરાબ શબ્દો સામેની ટિમ માટે કહ્યા. ચડસા ચડસી એ હદની થઇ ગઈ કે મેચ બાજુએ રહી; અને બે પક્ષો વચ્ચે જાણે શાબ્દિક વિશ્વયુદ્ધ છેડાઈ ગયું. વર્ષો જૂની મિત્રતા એક મેચને કારણે સમાપ્ત થતી દેખાઈ. ઇડિયટ બોક્સને તો ક્યારનુંય શટ-અપ કહી દેવામાં આવ્યું હતું, કારણકે એણે જે “નારાયણ નારાયણ” કરવાનું હતું એતો એ ક્યારનુંય કરી ચૂક્યું હતું. અમારી રવિવારની સાંજનો બાકીનો સમય આનંદમાં વીતવાને બદલે ભારેલા અગ્નિને ઠારવામાં ગયો. આજ કિસ્સો ચૂંટણી માટે કોઈ પક્ષને ટેકો દેતા લોકો માટે પણ એટલો જ સાચો છે.
સોશ્યલ મીડિયાના ટ્રેન્ડિંગ યુગમાં આપણી પસંદગીઓની વૈવિધ્યતાને અનેક ગણી કરી દેવામાં આવી છે. કોઈકને ડેઇલી સોપ પસંદ હોય તો વળી કોઈકને ક્રિકેટ, કોઈકને તારક મહેતા જોવું હોય તો કોઈકને સમાચાર જોવામાં રસ પડતો હોય. એમાંય જે ઘરોમાં ક્રિકેટ પ્રેમીઓ વસે છે તે ઘરના સિરિયલ પ્રેમીઓ માટે આ વર્ષ ખુબ કપરું રહેવાનું. IPL પુરી થશે ત્યાં તો વર્લ્ડકપ આવશે અને આ બધામાં અનુરાગ-પ્રેરણા અને કોમલિકાના પ્રણય ત્રિકોણમાં કયો નવો ખૂણો ઉમેરાયો એ જોવાની તક સિરિયલ પ્રેમી ગુમાવી દે એવા પુરેપુરા અણસાર છે. જો કે મોબાઈલમાં ટીવીની ચેનલ્સ આવી ગયા બાદ અને રાતનો એપિસોડ બપોરે રિપીટ થવાના આશીર્વાદ રૂપે સિરિયલની લિંક જળવાઈ રહે એવું પણ બની શકે. આપણા બધાના ઘરોમાં રાત્રિનો સમય મોટેભાગે એક એવો સમય બની રહેતો હોય છે કે જેમાં મને-કમને પરિવારના દરેક સભ્યો કોઈ એક કાર્યક્રમ સાથે જોતા હોય છે. આવા સમયે કોઈ ચૂંટણી લક્ષી પાર્ટીને ફોલો કરતા-કરતા, ન્યુઝ ચેનલ પર ચાલતી ડિબેટ જોતા જોતા આપણો જ દીવાનખંડ ડિબેટખંડ બની જાય તો?
ભારતમાં વસતી દરેક વ્યક્તિ પાસે પોતાની ગમતી પાર્ટીને મત આપવા માટે, પોતાની ગમતી ક્રિકેટ ટિમને સપોર્ટ કરવા માટે કે પછી કોઈ સિરિયલ પોતાને કેમ જોવી ગમે છે એ માટેનો પોતાનો જ આગવો તર્ક હોય છે. સોશ્યલ મીડિયા આજે એક એવું માધ્યમ બની ચૂક્યું છે કે જેમાં આપણે જે વસ્તુ પ્રત્યક્ષ રીતે કહી નથી શકતા એ બધી જ વસ્તુ પરોક્ષ રીતે કહી દેતા હોઈએ છીએ. પણ શું આપણને ગમતી પાર્ટી કે અન્ય કોઈ પસંદગી આપણા સ્નેહીજનોથી પણ વિશેષ બની ગઈ છે? કોઈકનો મહેલ જોઈને આપણે આપણી ઝૂંપડી બાળતા થયા હોઈએ એવું નથી લાગતું? દેશમાં વિજયી થયેલો કોઈ પક્ષ, કે IPL માં વિજયી થયેલી ટિમ બીમાર હોઈશું ત્યારે હોસ્પિટલને ખાટલે આપણી ખબર કાઢવા નહિ આવે. ક્યાંક ને ક્યાંક કોઈ અહંને પોષવાની લ્હાયમાં આપણે આપણા સ્વજન કે મિત્રને ગુમાવી દઈએ એ કેટલું યોગ્ય ગણાય?
કોઈ ધર્મને નામે વોટ બેન્ક ચલાવે, તો કોઈ કહે છે અમે આવશું તો વિકાસ કરીશું, તો વળી કોઈ વિકાસને હજુ સારો કરવાના દાવા કરે. આ બધું એમેઝોન કે ફ્લિપકાર્ટ કે અન્ય કોઈ જગ્યાએ લાગેલા વસ્તુઓના સેલ જેવું છે. બધાને કોઈપણ ભોગે પોતાની વસ્તુ વેચવી છે. પણ આવી કોઈક વસ્તુ આંખ બંધ કરીને ખરીદતી પ્રજાને એ નથી સમજાતું કે અહીં કિંમત આપણા સંબંધોની લગાવાતી હોય છે. મહાભારતના યુદ્ધમાં પાંડવો વિજયી ચોક્કસ થયા પણ વિજયને માણવાનું એમના નસીબમાં ન હતું, પોતાના સો ભાઈઓના લોહીથી મેળવેલો વિજય પણ શું કામનો?
આપણે સહુ આપણા મંતવ્યો અને આપણી પસંદગી કરવા સ્વતંત્ર છીએ, ચોક્કસપણે આપણે જેને પસંદ કરીએ એના તરફ પક્ષપાત રાખી શકીએ, પણ એ પક્ષપાત આપણું સ્નેહીજન પણ રાખે એવો આગ્રહ ભૂલ ભરેલો છે. ભાજપની સભામાં કોંગ્રેસી બનવા કરતા કે પછી કોંગ્રેસની સભામાં ભાજપી બનવા કરતા એકમેક ના વિચારોને આદર આપતા, એકબીજાના તર્કને સમજતા શીખીશું ને તો શહેરને બચાવવા જતા આપણો મહોલ્લો નહી સળગી જાય. બાકી ‘જેટલા મન એટલા વિચાર’ એ મુજબ દુનિયાની પ્રત્યેક વ્યક્તિની પસંદગી અલગ જ રહેવાની, દુનિયા આપણા મુજબ વિચારે એવા હઠાગ્રહમાં ફરવા કરતા આપણે દુનિયાને અનુરૂપ થઈને રહીએ એમાં જ આપણું અને આપણા પરિવારનું હિત રહેલું છે. વરના બાપ બની ચારેય તરફ આપણી પસંદગી ઠોકી બેસાડવા કરતા વસુધૈવ કુટુમ્બકમની ભાવના રાખી, પરિવારના દરેક સભ્યોની, આસપાસના તમામ મિત્રોની ભાવનાને, એમના વિચારોને એમની પસંદગીને આવકારી શકીએ અને એમાંથી અર્ક કાઢી શકીએ ત્યારે જ આખું વિશ્વ આપણા કુટુંબ સમાન ભાસશે, અલબત્ત નિર્દ્વેષ કુટુંબ!
લબુક-ઝબુક :
જે અંગ્રેજો કરી ગયા;
તે હવે આપણે જાતે જ કરવા લાગ્યા , હેં ને?
-સ્ટ્રીટ લાઈટ
(તિર્થંક રાણા (Tirthank Rana), પંચામૃત પૂર્તિ, ફૂલછાબ સમાચાર)