【મનગમતી નોકરી કે કામ મળે જ નહિ તો??】

(તિર્થંક રાણા, પંચામૃત પૂર્તિ, ફૂલછાબ સમાચાર)

એકવાર રાજાને શિકાર ઉપર જવાનું મન થયું; હેરાન કરવાના ઇરાદે મુલ્લા નસીરુદ્દીનને સાથે આવવા ફરમાન કર્યું; ચોમાસાની ઋતુ હતી વાદળો ગરજતાં હતા અને મુશળધાર વરસાદ થવાની પુરેપુરી સંભાવના હતી. જાણી જોઈને મુલ્લાને એક નબળો ઘોડો દેવામાં આવ્યો હતો અને રાજા એક મજબૂત ઘોડા ઉપર સવાર થયા હતા. જંગલમાં પ્રવેશતા જ રાજાનો ઘોડો વીજળી વેગે આગળ વધ્યો જયારે મુલ્લાજીનો ઘોડો નાદુરસ્ત હોવાને લીધે ધીમી ગતિએ આગળ વધતો હતો. આખરે જેની બીક હતી તે થયું, મુશળધાર વરસાદ થયો; રાજાના ઘોડાની ગતિ મંદ પડી અને રાજાના બધા જ કપડાં વરસાદમાં પલળી ગયા. આ બાજુ મુલ્લા નસીરુદ્દીન વરસાદ શરુ થતા જ પોતાના બધા જ કપડાંની ઘડી કરીને તેની ઉપર બેસી ગયા. સમય વીતતા વરસાદ બંધ થયો એટલે પોતાનું શરીર નિતારી ફરી પાછા પોતાના કોરા કપડાં પહેરી રાજા પાસે પહોંચી ગયા. આ બાજુ રાજાની અચરજનો પાર ન રહ્યો, "આટલા મુશળધાર વરસાદમાં નસીરુદ્દીન કોરો રહીજ કેમ શકે? નક્કી એના આ નાદુરસ્ત ઘોડાની ધીમી ગતિને લીધે એ પલળવાથી બચી ગયો હોવો જોઈએ!" રાજા એ મનોમન વિચાર્યું અને ઘોડાની અદલાબદલી કરવાની ફરમાઈશ નસીરુદ્દીન પાસે કરી. ઘોડા બદલી નાખવામાં આવ્યા; આ વખતે નસીરુદ્દીન રાજાના ઘોડા ઉપર સવાર થયા અને રાજા નાદુરસ્ત ઘોડા ઉપર બેઠા. ફરી વરસાદ પડ્યો; ફરી રાજા ભીંજાયા અને ફરી નસીરુદ્દીન કોરા રહ્યા. આ વખતે હવે રાજાથી રહેવાયું નહિ, એમણે નસીરુદ્દીનને ચિડાઈને પૂછ્યું," આટલા વરસાદમાં તમે કઈ રીતે કોરા રહી શક્યા? મેં તો તમારા ઘોડા ઉપર સવારી કરી તોયે ભીંજાયો? તો તમે શું જાદુ કરો છો?" નસીરુદ્દીનએ સ્મિત સાથે કહ્યું, " તમે વિચાર્યું કે કરામત ઘોડામાં હતી, પણ ખરો જાદુ ઘોડામાં નહિ ઘોડેસવારમાં હતો, માય લોર્ડ!" એક ખુબ જાણતી કહેવત અનુસાર, જવાબ બદલવા પ્રશ્ન બદલવો પડે, અર્થાત દરેક વખતે એકસરખો જ પ્રશ્ન પૂછશો તો જવાબ પણ એક સરખો જ મળશે, આપણને અનુરૂપ જવાબ મેળવવા પૂછવામાં આવતો પ્રશ્ન બદલવો પડે! ઇદરીસ શાહના પુસ્તકમાંથી લીધેલી ઉપરોક્ત વાર્તા બસ આ પ્રશ્ન બદલવા તરફ આપણા મસ્તિષ્કમાં ઝબકારો કરતી એક પ્રેરણા છે. પહેલા-બીજા ધોરણમાં જયારે શિક્ષક પૂછતાં કે "બેટા, મોટા થઈને શું બનશો?" આ પ્રશ્નના જવાબમાં કોઈ ડૉક્ટર કહેતું, કોઈ એન્જીનીયર, કોઈ કહેતું કે પોલીસ, તો કોઈ કહે કે હું સૈનિક બનીશ. કેટલીયે વાર પોતાની જાતને સૈનિકના કે ડૉકટરના ગણવેશમાં દેખાડતા ચિત્રો પણ આપણે દોર્યા હશે. પછી ધીરે ધીરે મોટા થતા ગયા અને સમજ આવતી ગઈ કે ડૉક્ટર ખાલી સફેદ કોટ પહેરીને ફરતા નથી, એ બનતા પહેલા તો જિંદગીના ૨૫-૩૦ વર્ષ ભણવું પડે. સૈનિક બનવા સર્વિસ સિલેક્શન બોર્ડની અઘરામાં અઘરી પરીક્ષામાંથી પસાર થવું પડે! ટૂંકમાં, આંખો સમક્ષ તરવરતા ખયાલી પુલાવ ધીરે-ધીરે ખીચડીનું રૂપ લેતા ગયા અને જીવનમાં આપણે શું કરવું છે એની વધુ સ્પષ્ટતા આવતી ગઈ. તો વળી, કોલેજનું છેલ્લું વર્ષ એક એવી અદૃશ્ય ક્ષિતિજ રેખા છે કે જેને પેલે પાર દુનિયાના દાવ-પેચથી આપણે રૂબરૂ થતા હોઈએ છીએ. ૨૧ કે ૨૨ વર્ષની ઉંમરે જયારે અભ્યાસની રેસ પુરી કરીને તમે હાંફી રહ્યા હો ને એકા-એક રેફરી સીટી વગાડી બોલે કે, "પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત!". હજુ રેસ સમાપ્ત નથી થઇ, પણ ખરી રેસ તો હવે જ શરુ થઇ છે! શર્માજીના દીકરાને આટલા લાખનું પેકેજ ફલાણી કંપનીએ ઓફર કર્યું ને વર્માજીના દીકરાને આટલા લાખના પેકેજ વાળી નોકરી મળી ગઈ. "અબ તેરા ક્યા હોગા કાલીયા ?!" નાના હોઈએ ત્યારે એ તો પૂછવામાં આવે જ છે કે મોટા થઈને શું બનશો? પણ એ બની ગયા બાદ શું કરશો? અથવા તો એક સારું જીવન વિતાવવા શું કરશો? એવા સવાલો મોટેભાગે કોઈ શાળામાં પૂછવામાં જ નથી આવતા. જ્ઞાનનાં કારખાનામાં બીબાઢાળ જ્ઞાન ધરાવતા લોકો બહારની દુનિયામાં ઠલવાયા કરે; સ્પર્ધાત્મક પરિસ્થિતિ એ હદની બને કે પેલા '3 ઇડિયટ' પિકચરનો રેન્ચો પણ સાયલેન્સર બનવા મજબુર થઇ જાય. આવી સ્પર્ધાત્મક પરિસ્થિતિમાં જરૂરી નથી કે કોલેજની બહાર પગ મૂકતા જ કોઈ નોકરીની ઓફર લઈને ઊભું હોય. કેરિયરની શરૂઆત કોઈ નાની કંપનીમાં નોકરી કરીને કરવી પડે એવુંય બને. ફરક માત્ર એટલો જ પડશે કે સોશ્યલ મીડિયા ઉપર તમે એ કંપનીમાં જોડાયા છો એવી સ્ટેટ્સ ઉપડેટ મુકશો તો લાઈકસ કદાચ થોડી ઓછી મળશે, બાકી કામ તો બધે સરખું જ રહેવાનું. શર્માજી હોય કે વર્માજી, જીવનમાં માત્ર લાખો રૂપિયા કમાવા પડે તો જ સફળ ગણાવ એવું ક્યાંય લખ્યું નથી. માફકસરનું કમાઈ ને પોતાના પરિવારને સમય આપી શકતા હોઈએ; ક્યારેક જરૂર પડ્યે વેકેશન માણી શકતા હોઈએ અને રોજ રાત્રે મીઠી નીંદર લઇ શકતા હોઈએ ને તો શું કામ કરીએ છીએ એ ક્યારેય મહત્વનું નથી રહેતું. તમને ગમતી નોકરી તાત્કાલિક ધોરણે ન મળે ને તો નિરાશ ન થશો....શી ખબર? કદાચ ઈશ્વરે તમને નોકરી કરવા નહિ લોકોને નોકરીએ રાખવા સર્જયા હોય??

લબુક-ઝબુક:
એશિયાની મોટામાં મોટી રિફાયનરી ઉભી કરવા વાળો એક સમયે ક્લાર્ક હતો!
ફેમ ગુરુકુળમાં પાંચમા નંબરે આવવાવાળા ગાયક કલાકારની ગણતરી આજે ભારતના શ્રેષ્ઠ ગાયક કલાકારોમાં થાય છે!
જો તક મળે નહિ; તો તક જાતે ઉભી કરી લેવી!

-સ્ટ્રીટ લાઈટ કોલમ

One thought on “【મનગમતી નોકરી કે કામ મળે જ નહિ તો??】

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s