(✍️ તિર્થંક રાણા,પંચામૃત પૂર્તિ, ફૂલછાબ સમાચાર)
ડબલ બેડના પલંગ ઉપર ફેલાઈને સૂતી બે વ્યક્તિઓ જયારે પલંગને સામસામે છેડે એક જ પડખે સૂવા માંડે ત્યારે સમજવું કે એ બે વ્યક્તિઓમાં માં-બાપનો જન્મ થયો છે. રાત્રે મોબાઈલમાં એલાર્મ સેટ કરો અને પરોઢે નિર્ધારિત સમયે વાગે; અને આપણી નીંદર ઉડે એ તો સામાન્ય ઘટના ગણાય. પણ બાળકના સૂઈ ગયા બાદ અદૃશ્ય રીતે સેટ થઇ ગયેલો એલાર્મ રાતના કોઈપણ સમયે રણકી ઉઠે અને ગમે-તે બટન દબાવો છતાં બંધ જ ન થાય ત્યારે સમજવું કે માં-બાપ બનવાના ટ્યુશન ક્લાસિસનો મધરાત્રીએ પ્રારંભ થઇ ચુક્યો છે. સાચું પૂછો તો પહેલી વખત માં-બાપની પદવી મેળવ્યા બાદ શું કરવું અને શું ન કરવું એ વિષય વિશ્વના કોઈપણ ખૂણે ભણાવવામાં આવતો નથી. "માણસ માત્ર ભૂલને પાત્ર" એ નિયમ નવા બનેલા માં-બાપને પણ એટલો જ લાગુ પડતો હોય છે. વાલીઓએ અનુભવેલી મીઠી યાદોની સાથે જો ખાટા અનુભવો પણ ઘરમાં વાગોળાય તો નવી પેઢીને ઘણું માર્ગદર્શન મળી રહે એમ છે. બાળક બીમાર પડે ત્યારે શું કરવું? સખત રડતું હોય તો શું કરવું? ક્યાં સુધી ધીરજથી ઘરેલુ ઉપચાર કરવા? ડૉક્ટર પાસે કઈ બાબતોએ દોડી જવું? આ અનુભવો નવા બનેલા માં-બાપ માટે જડીબુટ્ટીરૂપ નીવડે છે. કોઈકને ઘરે ગયા હોઈએ ત્યારે નાના બાળક સાથે રમવાનો મોકો મળ્યો હોય, એને સૂતું જોયું હોય, એનું ભુવન મોહિત સ્મિત જોઈ આપણને પણ એમ થાય કે બાળક હોઈએ તો કેવું સારું? ન જમાનાની ચિંતા કે ન પોતાની. ખાવું હોય તો જ ખાવાનું, સૂવું હોય તો જ સૂવાનું, તકલીફ પડે એટલે પોક મૂકી રડવાનું, ગમે તે સમયે ખડખડાટ હસી પડવાનું, ખરેખર! બાળપણ એ મનુષ્યના જીવનકાળનો રાજાશાહી કાળ છે. કારણ કે રાજા હોવું એટલે આપણી મરજીના માલિક હોવું. અમિર હોઈએ કે ગરીબ, બાળપણમાં તો આપણે સહુ એક રાજા તરીકે જ જીવતા હોઈએ છીએ ને? પણ તકલીફ એ છે કે બાળકનું આ સ્વરૂપ એતો માત્ર સિક્કાની એક જ બાજુ છે. ખરી પરીક્ષા તો શંકરના તાંડવઃ નૃત્યને શાંત પાડવામાં થતી હોય છે. વાત અહીં એ રાજાના વજીરોની કરવી છે, રાત્રીના ગમે-તે સમયે વાગતા એલાર્મને બંધ કરનાર વાલીઓની કરવી છે. એ થાકેલી આંખોની કરવી છે કે જેણે દિવસના અંત સુધીનો થાક વેઠી,ફરી આખા દિવસનો શ્રમ વેઠવા ઓફિસ જતી જોઈ છે. બાળક રડે ત્યારે એને શાંત પાડવાની પ્રક્રિયાની શરૂઆત ભલે આપણને ગમતી પોઝિશનમાં થાય; પણ જયારે શાંત પડે ત્યારે આપણા હાથોની પોઝિશન એને ગમતી બની ગઈ હોય છે. સ્વાભાવિક પણે જ આપણા હાથોમાં એણે સર્જેલો પલંગ આપણા માટે તો કષ્ટદાયી જ હોવાનો. બે કલાકની જહેમત બાદ જયારે મીઠી નીંદરમાં મહારાજા કે મહારાણી પોઢે અને શેરીમાં વસતા કુતરા પોક મૂકે ત્યારે ભલભલા અહિંસાના પૂજારીના મનમાં હિંસક જ્વાળા પ્રગટી ઉઠે. વાત એટલેથી અટકતી નથી, વહેલી પરોઢે ધમધમતા ઘરમાં; ટાંકણી પડે તોયે અવાજ આવે એવો સન્નાટો, રસોડાના વાસણોને અતિશય શાંતિથી, અવાજ ન આવે એ રીતે ચૂલે ચઢાવવાની કળા, કૂકરની સીટીઓ ઉપર લાદી દેવામાં આવતો ચાર કલાકનો પ્રતિબંધ, ઘરના તમામ સભ્યોની સ્વર પેટીઓને ચાર કાળી નીચી કરી વાત કરવા માટે પાડવામાં આવતી ફરજ, ચોકલેટ કે આઈસ્ક્રીમ પોતાના જ ઘરમાં ચોરી છુપે આરોગવાનો કરવામાં આવતો અભ્યાસ, તમને અતિશય પ્રિય એવા "મોબાઈલ" ને "છી-છી" તરીકે ગણાવવાનો નિષ્ફળ પ્રયાસ અને બીજું ઘણું બધું એવું છે કે જે પતિ-પત્ની અને ઘરના તમામ સભ્યો નાનકડા ભગવાનના ઘરમાં આવ્યા બાદ પ્રેક્ટિકલ અભ્યાસ દ્વારા શીખતાં હોય છે. ઘરના જડબેસલાક લાદેલા અનુશાસનમાં એક નાનકડું ફૂલ પોતાની મસ્તીથી પાંગરે ત્યારે આપણે જાતે જ સર્જેલી અનુશાસનની કેદ સાથે આપણને પ્રેમ થઇ જતો હોય છે. માં-બાપ હોવું એ એકજ નાટકમાં બે ભાગ ભજવવા જેવું હોય છે; એક ભાગમાં તમે બાળકના સ્વાસ્થ્ય અને વિકાસના ચોકીદાર છો તો બીજા ભાગમાં તમે પોતે બાળકના ફૂલ ટાઈમ મિત્રની ભૂમિકા ભજવતા હો છો. તમે બાળકની એક એવી ફેસબુક વોલ છો કે જ્યાં તમારું સંતાન એના જીવનમાં બનેલી પ્રત્યેક નાનામાં નાની ઘટનાઓ પોસ્ટ કરે છે. બાળકના જીવનમાં આવતા સારા-નરસા તમામ કિસ્સાઓમાંથી પ્રેક્ટિકલ અભ્યાસે જયારે તમે આબાદ બહાર નીકળો છો ત્યારે તમે રોપેલું બીજ; વર્ષો બાદ એક વટ વૃક્ષના રૂપમાં તમને તમારા એક ઉત્તમ માં-બાપ હોવાનું સર્ટિફિકેટ ગુપ્ત રીતે આપી દેતું હોય છે. કહેવાય છે ને કે સમય વીતતા વાર નથી લગતી એમ એક પંખી પલંગ છોડી બાજુના રૂમમાં સુવા માંડે અને છોડી જાય બસ સંસ્મરણો; તસ્વીરમાં કેદ થયેલી કેટલીક યાદો કે જે કુદરતે તમને જીવવાનો મોકો તો આપ્યો પણ સંપૂર્ણ રીતે એને માણવાનો સમય ન આપ્યો! પ્રત્યેક સફળ કે નિષ્ફળ વાલિત્વ પાછળ કોઈક બીજાને ઉપયોગી થાય એવી શીખ રહેલી હોય છે. જયારે આપણે સહુ મુક્ત મને એક વાલી તરીકે આપણે શું સારું કર્યું એની સાથે-સાથે ક્યાં નિષ્ફળ રહ્યા એ ચર્ચા પણ કરવા લાગીશું ને ત્યારે એ નિષ્ફળતાના સરનામે પણ ભવિષ્યમાં એક સફળ વાલિત્વ આપણને ચોક્કસ જડી આવશે!
લબુક-ઝબુક:
કેટલાક વિષય ભણવાની ખરી મજા થિયરી કરતા પ્રેક્ટિકલમાં હોય છે;
એમાંય વાત જયારે માં-બાપ બનવાની હોય….!
તો યા હોમ! કરીને પડો; ફતેહ છે આગે!!
-સ્ટ્રીટ લાઈટ, તિર્થંક રાણા