【માતૃભાષા આવડે છે??….તો ફક્ર હૈ !】

(તિર્થંક રાણા, પંચામૃત પૂર્તિ, ફૂલછાબ સમાચાર)

એમ.એસ.ધોની ફિલ્મ ધોનીના વિશ્વ વિજયી છગ્ગા માટે તો યાદગાર છે જ પણ એ ફિલ્મમાં બીજું પણ કંઈક વિશેષ હતું કે જે કાયમ માટે યાદ રાખવા જેવું છે.ફિલ્મમાં પંજાબ અને બિહાર વચ્ચેની એક મેચ દર્શાવવામાં આવી છે, જેમાં પંજાબ તરફથી યુવરાજ સિંહ તો બિહાર તરફથી મહેન્દ્ર સિંહ ધોની રમી રહ્યા હતા. વાત ધોની કે યુવરાજના વિશ્વ ફલક ઉપર ફેમસ થયા પહેલાની છે. બિહાર તરફથી મહેન્દ્રસિંહ ધોની જયારે બેટિંગ કરવા ઉતરે છે ત્યારે બિહારના મોટાભાગના બેટ્સમેન પેવેલિયન ભેગા થઇ ગયા હોય છે. ધોનીની સામે બોલિંગ કરવા ઉતરે છે પંજાબનો સ્ટાર ખિલાડી યુવરાજ સિંહ, જેની પહેલી જ બોલ ઉપર ધોની છગ્ગો ફટકારી દે છે. ત્યારબાદ દિવસના અંત સુધી બિહારની એકપણ વિકેટ પડતી નથી અને દિવસના અંત સુધી ધોની બિહારની લથડતી બાજી સાંભળી લે છે. દિવસ પૂરો થયા બાદ; સ્ટેડિયમની બહાર નીકળતી વખતે ધોની અને તેની ટીમના ખેલાડી જયારે ધોનીની બેટિંગ ના વખાણ કરી રહ્યા હોય છે ત્યારે બાસ્કેટબોલના કોર્ટ પાસે યુવરાજ સિંહ તેમની બાજુમાંથી પસાર થાય છે, તેઓ સ્ટાઈલથી હેડફોન ભરાવી અદાથી ચાલતા યુવરાજસિંહ ની પ્રતિભાથી અંજાઈ જાય છે. બીજા દિવસે જયારે યુવરાજસિંહ બોલિંગ કરવા ઉતરે છે ત્યારે ધોની એની વિકેટ ગુમાવી બેસે છે, ફિલ્મમાં મેચનો સીન અહીંયા જ પૂરો કરી દેવામાં આવે છે, પોતાના ઘરે પહોંચી ગયા બાદ ધોની તેમના મિત્રોને પંજાબની બેટિંગ વિષે જણાવતા કહે છે કે શરૂઆતની વિકેટ પડ્યા બાદ આવેલા યુવરાજ સિંહે ધમાકેદાર ૩૫૮ રન બનાવ્યા કે જે બિહારની આખી ટીમે ઉભા કરેલા ટોટલ કરતા પણ ૧ રન વધુ હતા."ખબર છે અમે મેચ ક્યાં હાર્યા??", ધોની એ તેના મિત્રોને પૂછ્યું અને સ્મિત સાથે ઉમેર્યું," ક્રિકેટના મેદાનમાં નહિ, બાસ્કેટબોલના કોર્ટ ઉપર!" આપણી સંતાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે આપણે કેટ-કેટલી જહેમત ઉઠાવતા હોઈએ છીએ, રમત-ગમતથી માંડીને એકપણ વિષયમાં આપણી સંતાન પાછળ ન રહી જાય એ હેતુથી આપણે ક્રિકેટ, ચેસ કે બેડમિન્ટન જેવા જાત-ભાતના ક્લાસીસમાં એમને મોકલીએ છીએ .પણ જયારે વાત આવે એના ભણતર માટેના માધ્યમની પસંદગી કરવાની એટલે કે જુનિયર કેજીથી માંડીને બારમા ધોરણ સુધીના અભ્યાસની ભાષા પસંદ કરવાની તો મોટેભાગે અંગ્રેજી ભાષા ઉપર આપણો કળશ ઢળતો હોય છે. જેની પાછળ મોટેભાગે આપણે અંગ્રેજી ન અવડવાને લીધે ખાધેલી ખોટ જવાબદાર હોય છે.જયારે ચાર વ્યક્તિઓની અંગ્રેજીમાં થતી વાતચીતમાં આપણે ઇચ્છતા હોવા છતાં ભાગ ન લઇ શકીએ ત્યારે આપણે મનોમન એ નિશ્ચય કરી લેતા હોઈએ છીએ કે જે આપણી સાથે થયું તે આપણી સંતાન સાથે ન બનવું જોઈએ.તો વળી, અંગ્રેજી ભાષા વિશ્વ સ્તરે બોલાતી હોવાથી પણ આપણી પસંદગીમાં અંગ્રેજી માધ્યમ મોખરે રહેતું હોય એમ બને. આમ જોવા જઈએ તો જે ભાષા ૧૨માં ધોરણ બાદ આગળના અભ્યાસ માટે ના છૂટકે અપનાવવાની હોય એને શરૂઆતથી જ કેમ ન અપનાવવી?? કેટલીયે પેઢીઓથી અંગ્રેજી ભાષાનો આપણી ઉપર એક ગજબનો પ્રભાવ રહેલો છે. પણ વાત અહીં કોઈકના જ્ઞાનને માત્ર ભાષાથી આંકતી આપણી માનસિકતાની કરવી છે. ભારતની સંસ્કૃતિની જીવાદોરી ગણાતા ગ્રંથો સંસ્કૃતમાં લખાયા, અને સંસ્કૃત થકી વિવિધ ભાષાઓ જેવી કે હિન્દી, મરાઠી થી માંડીને ગુજરાતી ભાષાનો જન્મ થયો. ભગવાન રામ જયારે વનવાસ સમાપ્ત કરી અયોધ્યા પહોંચ્યા ત્યારે સૌ પ્રથમ એમણે અયોધ્યાની માટીને માથે લગાડી કહ્યું હતું," जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी!" જનની એટલે કે જન્મ દેનારી માતા, અને જન્મભૂમિ એ બંનેનું સ્થાન સ્વર્ગથી પણ એક મુઠ્ઠી ઉંચેરું છે.જેટલું સન્માન જનની અને જન્મભૂમિનું છે એટલું જ મહત્વ આપણી માતૃભાષાનું પણ છે. દેશ-વિદેશના સંશોધનકારો જે ગ્રંથનો ઉકેલ મેળવતા થાકતા નથી તેવી ૭૦૦ શ્લોકોની ભગવદગીતા પણ સંસ્કૃતમાં જ બોલાઈ અને લખાઈ છે. પ્રભાવ આપણો છે, આપણી ભાષાનો છે. ગર્વ થવું જોઈએ આપણને જો આપણી સંતાન આપણા ઘરમાં બોલાતી ભાષા કડકડાટ બોલતું હોય, વાત કોઈ ભાષાને નીચી દેખાડવાની નથી, પરંતુ જે બાબત આપણને વારસામાં મળી છે એની ગરિમા અનુભવવાની છે. લગ્ન સમયે આપણે ત્યાં હસ્ત મેળાપનો રિવાજ છે જયારે એમનો રિવાજ પતિ-પત્નીને જાહેરમાં ચુંબન કરવાનો છે, વાત બંને પ્રેમની જ છે પરંતુ જેટલી સહજતાથી ભણતરની ભાષાનું રૂપાંતર સ્વીકાર્યું શું એટલી જ સરળતાથી આપણે આપણા સંસ્કારોનું ભાષાંતર સ્વીકારી શકશું ખરા?? એમાંય મજાની વાત તો એ છે કે આજે વિશ્વ આપણને આપણી જ શોધેલી વસ્તુ નવા પડીકામાં આપી રહ્યું છે અને આપણે તેને હોંશે-હોંશે સ્વીકારીએ છીએ પણ ખરા! યાદ કરો જુના જમાનામાં થતા લીમડાના દાંતણ, કોલસા કે પછી મીઠાથી કરવામાં આવતી દાંતની સફાઈ, અને આજે આપણને જ પૂછવામાં આવે છે, "ક્યા આપકે ટુથ પેસ્ટ મે નમક હૈ?" જીવનમાં કાળક્રમે ભલે કોઈપણ ભાષા અપનાવવી પડે; પણ કર્મથી શીખેલી ભાષા કરતા જન્મથી મળેલી ભાષા સદૈવ એક મુઠ્ઠી ઉંચેરી જ રહેવાની! ટૂંકમાં, બહુ જલ્દી કોઈક ભાષાથી પ્રભાવિત થવા કરતા પોતાની માતૃભાષાનું ગૌરવ હૈયે કેળવી; પોતાની જાત ઉપર આત્મવિશ્વાસ કેળવી શક્યાને તો એક દિવસ આપણે પણ આપણા પરિવારને વર્લ્ડકપ જેવી સિદ્ધિ ચોક્કસ આપી શકવાના. અલબત્ત વિશ્વ ફલક ઉપર ન હોય તો કાંઈ નહિ ઘરના દીવાનખંડમાં તો હશે જ!

લબુક-ઝબુક:

તે દિવસે જો બિહારની ટિમ ફેશનેબલ યુવરાજથી પ્રભાવિત ન થઇ હોત તો??

તો મેચનું પરિણામ ચોક્કસપણે કંઈક જુદું હોત!

-તિર્થંક રાણા, સ્ટ્રીટ લાઈટ કોલમ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s