સવારે ઉઠીએ અને આપણા ફોનને ગુડમોર્નિંગ કહીએ ત્યારથી ચૂંટણી લક્ષી હજારો પોસ્ટ આપણી નજર સામેથી પસાર થઇ જતી હોય છે. આપણે વર્ષ આખું કામ કરીએ અને વર્ષને અંતે બોસ આપણો પગાર વધારવા આપણી પાસે પાછલા વર્ષના લેખા-જોખા માંગે; એવી જ પરિસ્થિતિ અત્યારે નેતાઓની છે. અલબત્ત, લેખા-જોખા માંગનારા બોસ આપણે છીએ. પહેલા જેટલું ગુપ્ત મતદાન થતું એવું આજના સમયમાં શક્ય નથી રહ્યું; તમારા જ મિત્રોમાં કોણ ક્યા પક્ષને સમર્થન આપે છે એનો પ્રચાર તેઓ રોજબરોજ સોશ્યલ મીડિયા ઉપર કરતા જ હોય છે. પણ પ્રશ્ન એ છે કે નેતાઓના અપરાઇસલની મોસમમાં આપણા સ્માર્ટ-ફોનની જેમ આપણો મત પણ “સ્માર્ટ” બની શકશે કે નહિ?
તો વળી, દેશમાં કયો પક્ષ બહુમતીથી વિજયી નીવડશે એના કરતા વધારે અગત્યની બાબત એ છે કે આપણા વિસ્તારમાં કયો નેતા બહુમતી મેળવશે. કારણ કે આપણી નોકરીને લગતા પ્રશ્નો નો ઉકેલ આપણો રિપોર્ટિંગ બોસ જ લાવી શકવાનો, આપણી કંપનીનો સી.ઈ.ઓ. નહિ! હા, કંપનીને મજબૂતી દેવાની અને વિકાસશીલ બનાવવાની તાકાત સી.ઈ.ઓ.ઉપર જ નિર્ભર રહેવાની એ ખરું પણ આપણે નોકરીની પસંદગી સી.ઈ.ઓ. પ્રમાણે નહી, પરંતુ આપણા બોસનો સ્વભાવ અને બીજી બાબતોને આધારે કરતા હોઈએ છીએ, ખરું ને? જો કે આ વખતે ચૂંટણીમાં પબ્લિક પણ નેતાઓની નાડ પારખી ગઈ હોય એમ લાગે છે. કેટલાક વિસ્તારોમાં લોકો એ ભેગા મળી નેતાઓને આવનારા વર્ષો માટેનો અપરાઇસલ ટાર્ગેટ પણ આપી દીધો છે. દિવસે-દિવસે નેતા બનવું વધુ ને વધુ કપરું બનતું ચાલ્યું છે; કારણ કે પબ્લિક હવે સ્માર્ટ બનતી ચાલી છે. “માત્ર ચર્ચા નહી…કાર્ય!” એ આજની પબ્લિકનો “સ્માર્ટ” મેનીફેસ્ટો છે. વાત પણ સાચી છે, આપણે જેને મત આપીએ છીએ એ નેતાના વિઝન, મિશન અને વેલ્યુ શું છે એ તો જાણવું જ પડે ને?
૨૦૧૯ની લોકસભા ચૂંટણી એ વિશ્વસ્તરે મોંઘામાં મોંઘી ચૂંટણી બની રહેશે એવો અંદાજ વિશ્વના તજજ્ઞો લગાડી રહ્યા છે. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ઈલેક્શન કમિશનને લગભગ પાંત્રીસો કરોડ રૂપિયાનો ખર્ચ થયો હોવાનું મનાય છે; ૨૦૧૯ની ચૂંટણી આ આંકડાને રમત કરતા વટાવી જશે એવો અંદાજ છે. આ રૂપિયા કોના છે? આટલો મોટો ખર્ચ કોના ખભે છે? આપણી આવક થી માંડીને રોજબરોજ વપરાતી ચિજવસ્તુઓ ઉપર ‘કર’ એટલે કે ‘ટેક્સ’ વસુલવામાં આવે છે અને સવાસો કરોડ લોકોએ ચુકવેલો એ ટેક્સ ચૂંટણીથી લઈને બીજા અનેક કાર્યોમાં વપરાતો હોય છે.
કહેવાનો અર્થ માત્ર એટલો જ કે, આ ચૂંટણીમાં આપણે આપેલો મત એ માત્ર સામાન્ય નાગરિકનો મત નથી; આપણી પરસેવાની કમાણી ઉપર ચૂકવેલા ટેક્સની એક-એક પાઇનો હિસાબ લેવાનો અવસર છે. આવકમાં આવતો એક-એક રૂપિયો સાચવીને ખરચતાં આપણે; આપણા પૈસે આટલા મોટા પાયે થતી ચૂંટણીમાં આળસ દર્શાવીએ એ કેમ ચાલે? આ ચૂંટણી માત્ર ચોકીદાર કે શાહઝાદાના રાજ્યાભિષેક માટે નથી થઇ રહી; ખરો રાજ્યાભિષેક આપણો છે. લોકશાહી દેશના રાજા આપણે છીએ, અને રાજા હોવું એ માત્ર એક બહુમાન નથી; રાજા હોવું એ એક જવાબદારી છે. જો રાજા આળસ કરીને એ ન ચકાસે કે પોતાના મત વિસ્તારમાં યોગ્ય ઉમેદવાર કોને ગણી શકાય, કોણ છે જે ખરેખર જવાબદારી નિભાવી શકે એમ છે અને કોણ છે કે જેને મત આપી દીધો તો આવનારા પાંચ વર્ષ ગાયબ થઇ જશે. એવા ગાયબ થઇ જનારા લોકોને પાણીચું પકડાવી શકીએ અને ખરેખર કાર્ય કરતા લોકોને મોકો આપી શક્યા ને તો આપણે ખરા અર્થમાં “સ્માર્ટ” છીએ એ સાબિત થશે.
તો વળી, ૨૦૧૩થી ભારતની જનતાને ચૂંટણી લક્ષી વધુ એક અધિકાર દેવામાં આવ્યો-NOTA. એટલે કે “નન ઓફ ઘી અબાવ”. સરળ ભાષામાં કહીએ તો ઉપરમાંથી એકેય નહી. NOTA એક એવો વિકલ્પ છે કે જેમાં જો જરૂર લાગે તો આપણે આપણો મત ઉમેદવારી નોંધાવેલ વ્યક્તિઓ પૈકી કોઈને પણ દેવાનું ઉચિત ગણતા નથી એવું દર્શાવી શકીએ છીએ. દરેક EVM મશીનમાં આ વિકલ્પ ઉપલબ્ધ હોય છે. NOTA દ્વારા આપણે ચૂંટણી લડી રહેલી પાર્ટીઓ ઉપર ગુનાહિત ભૂતકાળ ન ધરાવતા અને વધુ સુ-યોગ્ય ઉમેદવારોને ટિકિટ આપવાનું દબાણ વધારી શકીએ છીએ. પણ ખાટલે મોટી ખોટ એ છે કે કોઈ નેતા લાયક છે કે નહિ એ નક્કી કરતા પહેલા આપણે તો લાયક બનવું પડે ને? જો આપણે જાગૃત હોઈએ તો કોઈ નેતા ખોટા વાયદા કરીને આપણને ઉલ્લુ ન બનાવી શકે; બાકી તો મત દેવા પહોંચો ને EVM મશીનમાં દેખાતા બધા જ નામ અજાણ્યા લાગે અને “કોઈ કશું જ કામ કરતું નથી” એવું બોલી મનમાં બે-ત્રણ કિલોની સંભળાવી NOTA નું બટન દબાવો એનો કોઈ અર્થ રહેવાનો નથી. ચૂંટણી એ એક કૂવો છે, જેમાં તમે એક લોટો પાણી નાખો છો કે પછી એક લોટો દૂધ એ તો તમને આવનારા પાંચ વર્ષોમાં ખબર પડી જ જવાની; પણ ધ્યાન રાખજો કે ડાબા હાથની પહેલી આંગળી ઉપરનો ડાઘો એ વાતની સાક્ષી પુરે કે આપણા ફોન ની જેમ આપણો મત પણ “સ્માર્ટ-મત” છે!
લબુક-ઝબુક:
યે નયા હિન્દુસ્તાન હૈ!
યહાં વોટ નોટો પે નહીં, ડંકે કિ ચોટ પે ડાલે જાતે હૈ!
(તિર્થંક રાણા, પંચામૃત પૂર્તિ, ફૂલછાબ સમાચાર)