(✍️તિર્થંક રાણા, પંચામૃત પૂર્તિ, ફૂલછાબ સમાચાર)
મોટેભાગે એવું જોવા મળ્યું છે કે બાળકનો લગાવ દાદા-દાદી કે નાના-નાની તરફ વધુ જોવા મળતો હોય છે. તો વળી વડીલોને પણ મુદ્દલ કરતા વ્યાજ ચોક્કસપણે વહાલું લાગે એમાં કોઈ નવાઈ નહિ. ડાર્વિનના ઉત્ક્રાંતિવાદ પ્રમાણે વર્ષોની ઉત્ક્રાંતિ બાદ વાનરમાંથી આપણે સદ્દગૃહસ્થ માનવની સફર ખેડી છે.માનવ તરીકેની વિચારસરણીને જો વર્ષો પહેલાના એક વાનરની દ્રષ્ટિએ જોવામાં આવે તો આભ-જમીનનો તફાવત દેખાય. કાળક્રમે એક વાનરની વિચારસરણીમાંથી આપણે અર્વાચીન માનવની વિચારસરણીમાં રૂપાંતરીત થતા ગયા. કરોડો વર્ષો પહેલા એક ઝાડથી બીજા ઝાડ તરફ કૂદકા મારતા વાનર માટે એ સ્વીકારવું કદાચ અશક્ય હશે કે કરોડો વર્ષો બાદ જન્મેલી એની સંતાન એવો કૂદકો મારશે કે એ કૂદકો એને સીધો અંતરિક્ષમાં લઇ જશે! આ સફર છે એક વાનર તરીકે જન્મેલા આપણા પૂર્વજોની, પોતાની વિચારસરણીને પ્રત્યેક ક્ષણે પડકારતી માનવ સંસ્કૃતિની, રોજ નવું-નવું સંશોધન કરતી આપણી પ્રયોગશાળાઓની અને આ સફર છે આપણી કે જેણે દુનિયાને મુઠ્ઠીમાં ભરી લીધી છે.
પણ ધારોકે આપણા પૂર્વજોએ વાનર વિચારસરણી જકડી રાખી પૈડું, અગ્નિ, સાદું યંત્ર વગેરે જેવી શોધ કરી જ ન હોત તો શું આપણી જિંદગી આજે જેવી છે, એવી હોત ખરી? પેઢી દર પેઢી માનવીના વિચારોમાં સોફ્ટવેર અપડેટ આવતી ગઈ, જે મેળવતા માં-બાપે જિંદગી ખર્ચી નાખી એ વસ્તુ એમના સંતાનોએ વારસામાં મેળવી. આપણે જિંદગી ખર્ચીને ઉભી કરેલી જીવનશૈલી એ આપણી સંતાન માટેનું લોન્ચ પેડ છે. એણે ફરી લોન્ચપેડ બનાવવા નથી જવાનું; એણે તો ઉડાન ભરવાની તૈયારી કરવાની છે.
પણ તકલીફ એ છે કે જેણે આખી જિંદગી પોતાની સંતાનને એક યોગ્ય લોન્ચપેડ દેવામાં ખર્ચી એ ઉડાન વિષે અજ્ઞાત છે અને જેણે ઉડાન ભરવાની છે એનું ફોકસ આકાશ તરફ વધુ અને લોન્ચ પેડ તરફ ઓછું રહે છે. પરિણામે ઉદ્ભવે છે વિચારોનું અંતર; કે જેને આપણે "જનરેશન ગેપ" તરીકે ઓળખાવીએ છીએ. કેટલા બધા વાલીઓને વસવસો છે કે એમની સંતાન એમના કહ્યામાં નથી, અમારા વિચારો મળતા જ નથી. તો વળી એમની સંતાનોનું પણ એવું જ રટણ છે. આ એક નદીને સામ-સામે કિનારે ઉભા રહી આખી જિંદગી એકબીજાને દોષારોપણમાં વિતાવવી જેવી બાબત છે. આતો લોહીની સગાઇ છે સાહેબ, અહીં મત-ભેદ ચોક્કસ હોય પણ મનભેદ ક્યારેય ન હોવા જોઈએ. એમાંય વિધિની વક્રતા એ છે કે સામ-સામે કિનારે ઉભેલી બંને વ્યક્તિઓ પાસે એક-એક નાવડી છે, બસ પહેલ કોણ કરે એ જ એક મોટો યક્ષ પ્રશ્ન છે. વિચારોની ઉત્ક્રાંતિએ આજની પેઢી માં-બાપના રૂપમાં એક મિત્ર શોધે છે. તો વળી માં-બાપ પણ ઈચ્છે છે એક એવી સંતાન કે જે એમના વિચારોનું સન્માન કરી શકે.
આપણે દુઃખી એટલે થઈએ છીએ કારણ કે આપણા પ્રયત્નો વિચારશૈલીને એકસમાન કરવાના છે. જયારે જરૂર છે વિચારશૈલીને એકરૂપ કરવાની. તો વળી સમાજમાં એવા કેટલાય ઉદાહરણો મળી રહેશે કે જેમાં સંતાનોએ માં-બાપને મોબાઈલ-કોમ્પ્યુટર જેવા ગેજેટ્સ વાપરતા શીખવાડ્યું હોય અને એ ગરિમા છે એ પેઢીની કે જેણે નવી પેઢીને એકરૂપ થવા અવનવી વસ્તુઓ શીખી પણ ખરી અને દાદ દેવી રહી નવી પેઢીની કે જેણે એ શીખવાડી પણ ખરી. આજે શોરૂમ અને ગોડાઉન બંને એ એક બાબત સમજવાની જરૂર છે કે બંનેની ગરિમા એકબીજાને આભારી જ છે, પણ બંને સામે ઉભેલા પડકારો?? સાવ અલગ. જો આપણે આપણા માં-બાપના અનુભવથી સિંચેલ વિચારો અને પોતાના અર્વાચીન વિચારોનું મિશ્રણ કરી શક્યા, એમની સલાહોને પગની બેડીઓ સમજવાની જગ્યા એ વિશ્વ સમક્ષ લાડવા માટેનું હથિયાર બનાવી શક્યાને તો ભલે એમને વિચારોમાં અંતર દેખાતું પણ એક દિવસ એ વિચારોનું અંતર એમને કશુંક એવું આપી જશે કે જે એમને તમારા માં-બાપ હોવાનો ગર્વ કરાવશે. તો વળી, સામે પક્ષે વડીલો કે માતા-પિતાએ પણ બાળકમાં એમણે સીંચેલા સંસ્કારો ઉપર વિશ્વાસ રાખી એમને કોઈક નવું જોખમ ખેડતા રોકવા ન જોઈએ. જો તે એનું ધાર્યું કરવામાં સફળ થશે તો વડવાઈઓનો ગર્વ થશે તો વડને જ ને! અને જો તે નિષ્ફળ જશે તો તે એમના જીવનની શીખ બની રહેશે! અંતર વિચારોનું હોઈ શકે, લોહીનું કદાપિ નહિ!
આપણી સામે ઉભેલી સ્પર્ધાત્મક પરિસ્થિતિઓ એક સરખા લાગતા વિશ્વને નવા પરિમાણમાં જોવાની ફરજ પાડતી હોય છે. આજે "અમારા વિચારો કેમ અલગ છે?" એવો સવાલ વારંવાર પૂછવાની જગ્યા એ જો પ્રશ્નાર્થ ચિહન હટાવી એ સ્વીકારી શક્યા કે "હા! અમારા વિચારો અલગ છે!" તો જીવનના મોટાભાગના આંતરિક સંઘર્ષો ને જીતી લઈશું, જિંદગીની ખરી મજા તફાવતને શોધવામાં નહિ તફાવતને વધાવવામાં છે. જે બાપ કરી શકે છે એ દીકરો ન કરી શક્યો અને જે દીકરી એ કરી બતાડ્યું એ માં પણ કદાચ ક્યારેય ન કરી શકી! આ વિચારોનું અંતર નથી, તમે જ સર્જન કરેલી પેઢીની સફળતાની ચાવી છે. તમારી સંતાનના કુરુક્ષેત્રમાં હથિયાર લઇ ફરવાને બદલે જરૂર છે એના સારથી બનવાની. એક એવા સારથી કે જેની સામે અગિયાર અક્ષૌહિણી સેના પણ ટકી ન શકે!

લબુક-ઝબુક:
એણે મને પૂછ્યું કે કોની જિંદગી વધુ મહત્વની-મારી કે તમારી?
મેં કહ્યું “મારી” અને એ રિસાઈને જતો રહ્યો!
એને ક્યાં ખબર હતી કે એ જ તો મારી જિંદગી હતો!
-ખલિલ જિબ્રાન
-સ્ટ્રીટ લાઈટ, તિર્થંક રાણા