【પરિવારના અન-સંગ હીરો-પપ્પા!!】

(✍️ તિર્થંક રાણા, પંચામૃત પૂર્તિ, ફૂલછાબ સમાચાર)

ભારત જેવા પુરુષ પ્રધાન રાષ્ટ્રમાં આ વખતે ચૂંટાયેલા સાંસદોમાં મહિલા સાંસદોની સંખ્યા પાછલા કોઈપણ વર્ષ કરતા વધુ હોવાની જાહેરાત જયારે પ્રધાનમંત્રીએ સંસદભવનમાં કરી ત્યારે દરેક મત દેનાર ભારતીયની છાતી ગજ ગજ ફૂલી ગઈ હતી. દારૂડિયા પતિના દારૂના નાણા ચૂકવવા પેટિયું રળતી મહિલાની તસ્વીર કદાચ હવે સુધરશે એવા અણસાર છે. સ્ત્રી સશક્તિકરણ વિશેની જાગૃતતા ધીરે ધીરે સમગ્ર દેશમાં ફેલાઈ રહી છે ત્યારે એક સ્ત્રી તરીકેના તમામ બલિદાનો અને બાળક માટે એમણે ખર્ચેલી પોતાની જિંદગીને શિરોધાર્ય ગણી આજે વાત કરવી છે એક મધ્યમ વર્ગીય પરિવારમાં એક માં ની કરોડરજ્જુ બની રહેલા એક પુરુષની એટલે કે એમની સંતાનના પપ્પાની! પોતાની વહાલસોયી દીકરીને વિદાય આપતી વેળાએ પોતાના ચોધાર આંસુઓથી દીકરીની સુખની ઝોળી ભરી દેતો પુરુષ એટલે પિતા. તો વળી, દીકરાના લગ્ન સમયે પોતાની વર્ષોથી સાચવેલી કમાણીને બે કે ત્રણ દિવસમાં ન્યાલ કરી; દીકરા પાસેથી "થેંક્યુ" માત્રની અપેક્ષા રાખ્યા વિના ફરી પાછો પોતાના ઘડપણની કમાણીમાં જોડાઈ જતો પુરુષ એટલે પિતા. ઘરમાં આવતી આપત્તિ સમયે કોઈપણ નંબર ડાયલ કરતા પહેલા જોડવામાં આવતો નંબર પિતાનો હોય. બાળકને ઇંજેક્શન મુકવા ડોક્ટર પાસે લઇ જવું હોય ત્યારે બાળકની વેદના અને ચીસ સહન કરતો; એના હાથને મજબૂત સહારો દેતી વ્યક્તિ એટલે પપ્પા. આ ઘરનું એક એવું એ.ટી.એમ છે કે જે ક્યારેય આઉટ ઓફ ઓર્ડર નથી હોતું, એક એવું જાદુઈ ખિસ્સું એમના ખમીસમાં રહેતું હોય છે કે એની સામે જે માંગો એ વિપ્ર વચને હાજર થઇ જાય. કોઈપણ બાળકના જીવનમાં માં નો મહિમા તો અનેરો છે જ પણ જીવનની કોઈએક ક્ષણે કે જયારે માં ને પણ કોઈક ખભાની જરૂર પડે ત્યારે એની બાજુમાં આવીને ઉભો રહેતો પુરુષ એટલે એનો પતિ અને એમની સંતાનોનો પિતા! વાત કોઈ પુરુષને સ્ત્રીથી ઉંચો દરજ્જો દેવાની કદાપિ નથી, વાત છે પડદા પાછળના એ અન-સંગ હીરોને વખાણવાની કે જેણે તમારી અને મારી જિંદગીને વધુ સરળ અને આરામદાયક બનાવવા પોતાની જિંદગી ખર્ચી નાખી. આમ કરવા છતાંય ક્યારેય એના મનમાં આપણા માટે કશુંક કર્યાનો અહં ભાવ નથી; આજના અનલિમિટેડ કોલિંગ યુગમાં પણ જે એક નંબર ઉપર લિમિટેડ કોલિંગ કરવામાં આવતું હોય છે એ નંબર મોટેભાગે પપ્પાનો જ હોય છે. બાળકના વિકાસ અર્થે એક પિતાએ ભજવેલું "કડકાઈ"નું પાત્ર એ એની સંતાનના વિકાસ અર્થે જ ભજવ્યું હોય છે. પરંતુ એ અભિનય એટલા વર્ષો ચાલે છે કે એ અભિનયની પાછળ રહેલા લાગણીઓના દરિયા અને પ્રેમની સોડમ આપણા સુધી પહોંચતી જ નથી. આપણા જ સુશાસન માટે એમણે ઉભો કરેલો ભય ક્યારે આપણને એમનાથી દૂર કરી દે છે એનો આપણે અંદાજ પણ નથી આવતો હોતો. બાળક દ્વારા પોતાની માતાના ઉદરમાં સાંભળેલો બીજા નંબરનો સૌથી વધુ અવાજ એ એના પિતાનો અવાજ હોય છે.નાના હોઈએ ત્યારે એટલું સમજાય કે પપ્પા સવારના પહોરમાં ન્હાઈ ધોઈને ઓફિસ જાય તે છેક સાંજે કે રાત્રે પાછા ઘરે આવે. નાનપણથી લઈને કમાતા થઈએ ત્યાં સુધી આપણને ખ્યાલપણ નથી આવતો હોતો કે જે કેડીએથી આપણે આપણી કારકિર્દી પસાર કરી એ કાંટાળી કેડીઓને પુષ્પ જેવી કોમળ બનાવવાનું કાર્ય કરનાર વ્યક્તિ બીજી કોઈ નહિ પણ આપણા પિતા જ હતા. સમાજમાં એવા કેટલાય કિસ્સાઓ જોવા મળે છે કે જેમાં બાળક નાની ઉંમરે એના પિતાનો છાંયો ગુમાવી દેતો હોય છે. પિતાનો છાંયો ગુમાવી દેતી સંતાનનું પહેલાનું વિશ્વ અને પછીનું વિશ્વ સાવ જુદું જ બની જતું હોય છે. કારણ કે પિતા એ કોઈપણ બાળકના જીવનના એ સુપર હીરો છે કે જે એની તરફ આવતી કોઈપણ આપત્તિ સામે ઢાલ બનીને ઉભા રહેતા હોય છે. વૃક્ષ કપાય અને સીધો તડકો આપણી ચામડીને દઝાડે ત્યારે જ આપણને વૃક્ષની કિંમત સમજાય છે ખરું ને? પૈસા કમાવાની જવાબદારી એક વ્યક્તિને વધુને વધુ રુક્ષ બનાવતી જતી હોય છે, આવે સમયે એક બાળકનું એના પિતાથી અંતર વધતું ચાલે એ સ્વાભાવિક બાબત છે. પણ સમય આવ્યે દરેક વ્યક્તિએ "કડકાઈ"નો અભિનય છોડી પોતાની સંતાનના મિત્ર બની રહેવાનું હોય છે. તો વળી, એ સંતાનની પણ જવાબદારી બને છે કે તોછડા બની ગયેલા વ્યક્તિત્વ પાછળના સુકોમળ વ્યક્તિત્વને ઓળખવાની અને એનો પૂર્ણ સ્વીકાર કરવાની, કારણ કે એમના સ્વભાવમાં આવેલા આ પરિવર્તન પાછળ ક્યાંક એમની સંતાન પણ જવાબદાર હોય છે ને?? આપણા સહુની જિંદગીના આવા સુપર હીરોઝને, આપણી ઈચ્છાઓને જેમણે જિંદગી જીવવાનું કારણ બનાવી લીધું એવી તમામ વ્યક્તિઓને આપણે બહુ ઓછી વખાણી છે, કારણો ગમે-તે હોય પણ જેમ એક માં ના ત્યાગનું ઋણ આપણે આજીવન ચૂકવી નથી શકવાના એવી જ રીતે આપણી પાછળ જાત ખર્ચી દેનાર પિતાનું ઋણ પણ આપણે ક્યારેય નહિ ચૂકવી શકીએ! સાચું કહું? આ પપ્પા પાક્કા બિઝનેસમેન છે! એમણે મ્યુચુઅલ ફંડ કે ફિક્સ ડીપોઝીટમાંથી નાણા કાઢી-કાઢીને આપણામાં ઈન્વેસ્ટ કરી નાખ્યા, રિટર્નની એમણે અપેક્ષા તો નહિ જ રાખી હોય પણ એમને ખબર છે એક દિવસ એમને રોકેલી થાપણ વ્યાજ ચોક્કસ આપશે.... ક્યોંકિ? એક બાપ ભી કભી બેટા થા!!

લબુક-ઝબુક:

પિતા અને સંતાનનો આ કેવો પ્રેમ છે?
જે વ્યક્ત ક્યારેય નથી થતો પણ અભિવ્યક્ત પ્રતિક્ષણ થતો રહે છે!

-તિર્થંક રાણા, સ્ટ્રીટ લાઈટ કોલમ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s