(✍️ તિર્થંક રાણા, પંચામૃત પૂર્તિ, ફૂલછાબ સમાચાર)

વાંચનનો શોખ હોવો એ એક આશીર્વાદ છે. કોઈ સામાયિકમાં છપાયેલી વાર્તા કે લેખના શબ્દો જયારે તમારી આંખો સમક્ષ જીવંત થાય ત્યારની મનઃસ્થિતિ કંઈક અદભુત હોય છે. જેવી રીતે કોઈ મોટા પુસ્તકને સંક્ષિપ્ત રીતે વર્ણન કરતી ગાઈડ કે અપેક્ષિત બજારમાં ઉપલબ્ધ હોય છે બસ એવી જ રીતે આજે કોઈ ખ્યાતનામ પુસ્તકનું ફિલ્મરૂપે સંક્ષિપ્તમાં રૂપાંતરણ કરી દેવામાં આવતું હોય છે. સ્વાભાવિક રીતે જ જે રચના વિઝયુઅલ ગ્રાફિક્સ રૂપે માત્ર બે કલાકમાં જોવા કે માણવા મળે એના માટે કોઈ શું કામ આંખો ખેંચીને ૨૦૦ કે ૩૦૦ પાના વાંચે? આજે એવા કેટલાય લોકો છે કે જેણે ગેમ ઓફ થ્રોન્સની આઠે-આઠ સીઝન રાત ઉજાગરા કરીને જોઈ છે પણ જે પુસ્તક ઉપરથી એ પ્રેરિત છે એ પુસ્તક વાચવાની તસ્દી સુધ્ધાં નહિ લીધી હોય. હાલમાં જ ગેમ ઓફ થ્રોન્સ પુસ્તકના લેખક જ્યોર્જ.આર.આર. માર્ટિને પોતાના બ્લોગની કોમેન્ટમાં કહ્યું કે એની પુસ્તકમાં ગેમ ઓફ થ્રોન્સનો અંત એવો નહિ હોય કે જેવો વેબ સિરીઝમાં દર્શાવવામાં આવ્યો. દરેક વ્યક્તિ જુદી-જુદી પરિસ્થિતિઓમાં જીવન જીવતી હોય છે અને માટે જ ભગવદ ગીતા ગ્રંથમાં રહેલા કોઈ શ્લોકનું વ્યક્તિએ પોતાની સમજ અનુસાર કરેલું વિશ્લેષણ અને મહાભારત સીરિયલમાંના એ જ શ્લોકના ભાષાંતરમાં ફરક જોવા મળી શકે છે. શ્લોક તો એનો એ જ છે પણ ફેર વ્યક્તિગત પરિસ્થિતિનો છે અને માટે જ વાંચન તમને વ્યક્તિગત ઉકેલ આપે છે જયારે કોઈ સિરિયલ કે વિડીયો એ સાર્વજનિક ઉકેલ આપતો હોય છે જે ક્યારેક લાગુ પડે ખરો અને ક્યારેક ન પણ પડે! અહીં એ બાબત પણ સમજવી જોઈએ કે લેખન અને પડદા ઉપરની અભિવ્યક્તિમાં બહુ મોટો ભેદ રહેલો છે. પુસ્તકમાં લખેલી દરેકે દરેક સૂક્ષ્મ બાબતોને પડદા ઉપર દર્શાવવી લગભગ અશક્ય બાબત છે. તો વળી ક્યારેક કોઈ ઘટનાને શબ્દોનું શરીર દેવું પણ અઘરું હોય એવું બને. આ બંને વસ્તુઓ પોત પોતાની જગ્યા એ કદાચ ઉચિત હોઈ શકે પરંતુ વ્યક્તિગત વિકાસ માટે અને જ્ઞાનનો પોતાની અંદર પ્રવેશ કરાવવા વાંચન એ શ્રેષ્ઠ પ્રક્રિયા છે. અઢાર કલાક બ્લુ સ્ક્રીન સામે રહેવા ટેવાઈ ગયેલી આપણી આંખોને વાંચન તરફ વાળવી એ બહુ મોટો પડકાર છે. વધતી જતી ટેક્નોલોજી સાથે આજે આપણી પાસે વાંચનના પણ વિવિધ વિકલ્પ ઉપલબ્ધ છે. કેટલાકને પુસ્તકના પાનાની જૂની સુગંધ પસંદ હોય તો વળી કેટલાકને ડિજિટલ વાંચન ફાવતું હોય, વાંચનનો રોમાન્ચ જળવાઈ રહે એવા તમામ પ્રયાસો આજે કરવામાં આવી રહ્યા છે. ક્યારેય વિચાર્યું છે શું કામ?? કારણ કે અક્ષર વિના જ્ઞાન શક્ય નથી હોતું અને માટે જ અક્ષર જ્ઞાનનો મહિમા છે. કોઈ ફિલ્મ કે વેબ સિરીઝમાં આપણે આપણી દ્રષ્ટિથી નહિ પરંતુ જે તે ફિલ્મ કે વેબ સિરીઝના નિર્દેશકની દ્રષ્ટિએ જોઈ રહ્યા હોઈએ છીએ. તમે એ જ વિચારો છો કે જે પડદા ઉપર ભજવાઈ રહ્યું છે. અહીં વિચારવાનો અવકાશ બહુ ઓછો દેવામાં આવતો હોય છે. માટે જ વ્યક્તિની પ્રાકૃતિક મૌલિકતા ધીરે ધીરે નષ્ટ થતી જાય છે. હા! રોમાન્ચ ચોક્કસ બની રહે છે પરંતુ એ જ્ઞાન નથી જન્મ લેતું કે જે કોઈ સહિત્ય તમને આપતું જાય છે. કોઈ પુસ્તકના વાંચનની ગતિ, ઉભા થતા દૃશ્યની ઊંડાઈ અને આગળ શું થશે એનો રોમાન્ચ આ બધું જ વાચકના હાથમાં રહેલું છે. રાધા-કૃષ્ણ વિષે વાંચતી વખતે તમારી સમક્ષ ઉભી થતી રાધા કે કૃષ્ણની છબી એ તમારી મૌલિક છબી છે. પરંતુ જયારે કોઈ સીરિયલમાં રાધા-કૃષ્ણ દેખાડવામાં આવે ત્યારે એ નિર્દેશકે પસંદ કરેલા રાધા-કૃષ્ણ છે; ચોક્કસપણે તેઓ આપણી મૌલિક છબી સાથે મેળ ખાતા હોય પણ ખરા પરંતુ એની પસંદગી આપણા હાથમાં નથી હોતી ખરું ને? જ્યાં સુધી કોઈ શક્તિ આપણા હાથમાં છે ત્યાં સુધી એ શક્તિ આપણો વિલય નથી કરી શકતી. તો વળી, આજે માનવ સંસ્કૃતિ સામે બીજો સૌથી મોટો પડકાર હોય તો એ છે શબ્દ ભંડોળનો પડકાર! કેટલાય શબ્દો આજે નષ્ટ થઇ રહ્યા છે કારણ કે દુનિયા હવે શબ્દો કે ભાવનાઓથી પણ આગળ નીકળતી ચાલી છે! ધીરજ રાખી વાર્તાને આગળ વધારવાની શક્તિ પણ આપણે ધીરે ધીરે ગુમાવી રહ્યા છીએ, અહીં બધું ફાસ્ટ ફોરવર્ડમાં જોવાય છે અને દુર્ભાગ્યે પુસ્તક કે સાહિત્યમાં એવું કોઈ બટન નથી હોતું! હોય છે તો બસ એક અદભુત વાર્તા કે વિચાર, જેને વાંચીને પોતાની સામે માનસિક રીતે ઉભી થયેલી જોવાનો રોમાન્ચ, કેટલાંય શબ્દોનો શબ્દ ભંડોળ અને આપણી વિચારસરણીની સીમાઓને વધુ ને વધુ વિસ્તારી જતા કેટલાક વિચારો! વિચારો કે જે જીવન બદલવા અને ઉજાગર કરવા સક્ષમ છે. એક મહાન માનવ બની ઇતિહાસ લખવા ઇચ્છતા હો તો પુસ્તકો અને સાહિત્ય સાથે પ્રેમ કરવો જ પડશે! ખોટું લાગતું હોય તો તપાસી જુઓ ઇતિહાસ! દુનિયાના કોઈ પણ સી.ઈ.ઓ. વેબ સિરીઝ જોઈને સી.ઈ.ઓ નહિ બન્યા હોય!
લબુક-ઝબુક :
મારુ દિમાગ એ મારુ હથિયાર છે અને “પુસ્તકો” એને વધુ તીક્ષ્ણ બનાવતા પથ્થર!
-ટિરિયન લેનિસ્ટર, ગેમ ઓફ થ્રોન્સ
-સ્ટ્રીટ લાઈટ, તિર્થંક રાણા