(✍️ તિર્થંક રાણા, પંચામૃત પૂર્તિ, ફૂલછાબ સમાચાર)
અગિયાર વર્ષના કૃષ્ણ જયારે વૃંદાવનની તમામ મસ્તી છોડી મથુરા જઈ રહ્યા હતા, ત્યારે વૃંદાવનમાં સર્જાયેલા ભાવવાહી દ્રશ્યો આપણા ઘરોમાં જોવાની મોસમ એટલે ઉનાળાના વેકેશનની પૂર્ણાહુતિ. મામાના ઘરે કરેલી તમામ મસ્તી કે પછી નાના-નાનીના ઘરે ખાધેલી બે હિસાબ કેરીઓ. ઉનાળાની એ ઠંડી સાંજે ખાધેલા રસદાર બરફના ગોળા અને રાત ઉજાગરા કરીને માણેલી ફિલ્મો! બપોરે ભર પેટ કેરીનો રસ ખાધા પછી લીધેલી મીઠી નીંદર અને સાંજે નવા મિત્રો જોડે રમેલી મનપસંદ રમતો. આહલાદક ઠંડક દેતો બાથરૂમનો ફુવારો અને ભીને શરીરે ખાધેલી એ પંખાની ઠંડક. ફ્રુટવાળા ભાઈ પાસેથી ખાધેલું એ મલાઈદાર નારિયેળ અને એસીની ઠંડકમાં મોડી રાત સુધી રમેલા પત્તા. કોઈક હિલ સ્ટેશને લીધેલી મુલાકાત અને ત્યાંની તાજગી ભરી હવામાં પીધેલી એક કપ ચ્હા! કોઈ નવી જગ્યાની લીધેલી મુલાકાત તો કોઈ અજાણ વ્યક્તિ જોડે કરેલો વાર્તાલાપ! વેકેશન આપણને કેટલું બધું આપી જતું હોય છે, નહિ?? આ બધું જ સ્મૃતિમાં કંડારીને ફરી પાછુ નીકળી પડવાનું એક નવી જ દિશામાં, એક નવી જ તાજગી સાથે અને સાથે જ પાછળ છોડી જવાનું એ બધું જ કે જે કોઈક માટે કાયમની યાદગીરી બની જાય.

રોજબરોજ ભાગતી જિંદગીમાં એક બ્રેક લેવો અત્યંત જરૂરી હોય છે. એકધારી ચાલતી જિંદગી મોટેભાગે નીરસ બની જતી હોય છે. તો આવે સમયે રાહ જોવાય છે બાળકોની વાર્ષિક પરીક્ષાના છેલ્લા પેપરની કે જે લઈને આવે છે કોઈ નવી જગ્યા જોવાનો ઉન્માદ, ઘણા લાંબા સમયથી ન મળ્યા હોઈએ એવા સ્નેહીજનો સાથેનો મિલાપ અને બીજું ઘણું બધું. આ દુનિયામાં દરેકના ભાગ્યમાં લખાયેલી ધન સમૃદ્ધિ અલગ અલગ હોય છે. દરેક વ્યક્તિ પોતાના પરિવારના મોજ શોખ માટે પછેડી એટલી સોડ તાણે છે. કોઈકનું વેકેશન વિદેશ યાત્રા બને છે તો કોઈક માટે નજીકના સ્થળે ગાળેલો સમય વેકેશન બની રહેતો હોય છે. આપણી રોજબરોજની જિંદગીમાંથી લીધેલો બ્રેક આપણને એટલો પ્રિય થઇ પડે છે કે એમાંથી ફરી પછી રોજિંદી જિંદગીમાં આવવું અઘરું બની રહેતું હોય છે.
તો વળી, ઘરની દરેક વ્યક્તિ માટે વેકેશનની સમાપ્તિ અલગ-અલગ હોય છે, જેમ કે પિયર ગયેલી પત્નીને લીધે ઘરની તમામ જવાબદારીઓ ઉઠાવીને ફરતા પતિઓ માટે વેકેશનની સમાપ્તિ એક હાશકારો લઈને આવેલી ગણાય. તો પત્નીઓ માટે વેકેશનની સમાપ્તિ એટલે ફરી પાછું સાંજે જમવામાં "શું બનાવું?" વાળો યક્ષ પ્રશ્ન, કામવાળી બાઈ સાથેની રકજક, દૂધવાળા, ઈસ્ત્રીવાળા સાથેનો હિસાબ-કિતાબ અને એમાંય જો વર્કિંગ વુમન હો તો ફરી પાછું ન-ગમતું જોવા મળતું સાહેબનું મુખડું, એ જ જૂની કામ કરવાની જગ્યા, એ જ કામ અને ફરી પાછી રાબેતા મુજબ બની જતી જિંદગી અને છોકરાઓ માટે? એમને માટે વેકેશનની સમાપ્તિ એટલે સવારે વહેલા ઉઠી નવું દફ્તર, નવા યુનિફોર્મમાં સજ્જ થઇ નવા વર્ગખંડમાં એક આખું વર્ષ ભણવાનો શરુ થતો નવો અધ્યાય.
આ બધું તો રાબેતા મુજબ થાળે પડી જ જાય છે, પરંતુ જેમ કૃષ્ણના વૃંદાવન છોડ્યા બાદ વૃંદાવન વાસીઓની જે હાલત હતી એવી જ કંઈક હાલત સુમ-સામ ઘરોમાં જોવા મળતી હોય છે. સુખરૂપ યથાસ્થાને પહોંચી ગયાનો સંદેશ મળી ગયા બાદ પણ એકાદ દિવસ ભોજનમાં રુચિ લગતી નથી હોતી અને પુરપાટ દોડતી આપણી આનંદ અને ઉલ્લાસની ગાડીને જાણે કોઈએ બ્રેક મારીને ઉભી રાખી દીધી હોય એવો અહેસાસ એ સૂના ઘરોમાં કોરી ખાતો હોય છે. નોકરીને કારણે અલગ રહેતો દીકરો હોય કે પછી પરણીને બીજે શહેર વસતી દીકરી; માં-બાપની હાલત બંને સંજોગોમાં સમાન રહેતી હોય છે. એમના આગમનના બે દિવસ પૂર્વે શરૂ થતી તૈયારીઓ અને ટૂંકા ગાળાના અંતરાય બાદ એમની થતી વિદાય વૃંદાવન જેવા દ્રશ્યો લગભગ દર વખતે સર્જતી હોય છે. તો બીજી તરફ વૃંદાવન છોડ્યા બાદ પણ આજીવન કૃષ્ણ વૃંદાવનને ભૂલી નહોતા શક્યા એવી જ રીતે બીજા શહેરમાં વસતા દીકરા કે દીકરી માટે પણ આ વિદાય વસમી જ હોય છે. થાય પણ શું? વિધિના વિધાન કંઈ બદલી શકાય ખરા? તો વળી અંતરની લાગણીને પણ સ્વીચ હોત તો કેટલું સારું? વિદાય વેળાએ સ્વીચ ઓફ તો કરી દેવાત ને!! આપણા સહુની સ્મૃતિએ સાચવેલી એ અદ્દભૂત યાદોને, કેમેરામાં કેદ થયેલી એ આહલાદક પળોને કાયમને માટે સાચવી રાખીને સમય થયો છે ફરી પછી બાયો ચઢાવી પોત-પોતાને કામે ચઢવાનો. જે પળો જીવી એ સુખદ સ્મૃતિ બની ગઈ છે અને એ સુખદ સ્મૃતિ જિંદગી જીવવાનું કારણ! જેવી રીતે જીવનમાં બ્રેક જરૂરી છે એવી જ રીતે એ બ્રેક પૂરો કરી ફરી પાછું વધુ તાકાતથી કામમાં જોડાઈ જવું પણ જરૂરી છે. જીવનમાં વેકેશનનો મહિમા એટલે જ છે કારણ કે બાકીના સાડા અગિયાર મહિનાનો કાર્યભાર છે. મહેનત વગરનો આરામ શું કામ નો? તન તોડ મહેનત કરીને તન અને મન થકવીશું ત્યારે જ તો વેકેશનની મીઠી કેરીઓ ફરી એકવાર નસીબમાં આવશે ને?
લબુક-ઝબુક:
કભી લાતા હૈ બહાર સુખોં કી;
તો કભી પતઝડ કા મૌસમ હૈ!
હૈ જો કુછ ભી બસ ઇસ પલ હૈ;
જીના ઇસી કા નામ હૈ!
-સ્ટ્રીટ લાઈટ, તિર્થંક રાણા