【માનવતા નો વળાંક】

(✍️ તિર્થંક રાણા, પંચામૃત પૂર્તિ, ફૂલછાબ સમાચાર)

એક ૮૫ વર્ષના દર્દીને બચાવવા ડોકટર જીવ સટોસટનો ખેલ ખેલે, દર્દી તો બચી ન શકે પણ એ તબીબોને ઢોર માર મારવામાં આવે. પશ્ચિમ બંગાળમાં તબીબો ઉપર થયેલા આ હુમલાના પડઘા આખા દેશના તબીબો દ્વારા ઝીલી લેવામાં આવે અને હજારો કિલોમીટર દૂર ગુજરાતના કોઈ શહેરમાં વસતો તબીબ એક દિવસ ઓપીડી બંધ રાખી પ્રત્યાઘાતને સમર્થન આપે.

ઈ.સ. ૨૦૦૧માં કચ્છની ધરતી ધ્રૂજે લાખો લોકો બેઘર બને અને વિશ્વના લગભગ ૬૩ દેશો ટેન્ટથી માંડીને નકદ રૂપિયા સુધીની તમામ સહાય પહોંચાડી આપણા દેશને પડેલી ખોટ પૂરવા ખડે-પગે ઉભા રહી જાય. બરાબર એક વર્ષ પહેલા થાઈલેન્ડની થામ લ્યુઆન્ગ ગુફામાં બાળકો ફસાઈ જાય અને વિશ્વભરના નિષ્ણાત મરજીવા દિવસ રાત એક કરીને પણ એ બાળકોને ગુફામાંથી બહાર કાઢે! દિલ્હીની કોઈ બસમાં એક માસુમ બાળા ઉપર બળાત્કાર કરવામાં આવે અને આખો દેશ હાથમાં મીણબત્તીની મશાલ લઇ એજ પીડિતાના પરિવાર સાથે ખભે ખભો મિલાવી ઉભો રહી જાય, ન્યાય માંગવા જાતે ન્યાયતંત્રના દરવાજે ટકોરા પાડી ઊઠે! ઓરિસ્સામાં ‘ફની’ વાવાઝોડું આવે અને લગભગ એક લાખ લોકોને અસર કરતું જાય; દરિયાકિનારે વસતા હજારો માછીમારોની આજીવિકા રૂપી નાવ છીનવાઈ જાય અને દેશભરમાંથી ઓરિસ્સા રિલીફ ફંડમાં પૈસાનો ખડકલો થઇ જાય! ગુજરાતમાં ‘વાયુ’ વાવાઝોડાના એંધાણ થાય ને હજારોની સંખ્યામાં ફૂડ પેકેટ્સ ઘડીના છઠ્ઠા ભાગમાં તૈયાર થઇ જાય!

સાડીના પાલવમાં છુપાવીને રાખવામાં આવેલી વર્ષોની બચત અને ફાઈલના પાનાઓ વચ્ચે પોતાની આપત્તી માટે સચવાયેલી કેટલીક રકમનો અમુક હિસ્સો ખાખી પરબીડિયામાં પેક કરીને એવા ભાઈ બહેનોના સરનામે લખી દેવાનો કે જેને ન ક્યારેય આપણે મળ્યા છીએ અને ન ક્યારેય આપણે મળવાના. રાણા પ્રતાપના અન્નના ભંડારો ખૂટે ને કોઈક વીર ભમાશા પ્રણામ કરીને પોતાની આખી જીંદગીની કમાણીથી ભરેલા અન્નના ભંડારો ખુલ્લા મૂકી દે એ ભામાશાનો અંશ આપણામાં જીવે છે સાહેબ અને એટલે જ સ્વયંને ભૂલીને વિશ્વના કોઈ ખૂણે વસતા માનવની આપત્તિ જોઈને આપણી બંધ મુઠ્ઠીઓ ખુલી જતી હોય છે.

આમ જુઓ તો આપણા બધાની જીંદગીઓ કેવી પુરપાટ દોડે છે નહિ? સુરજ ઉગે ત્યારથી શરુ થતી દોડ છેક નિશાના તારલિયાઓ જોતા પૂરી થાય, થાક ઉતરે કે ન ઉતરે ને ફરી એ જ દોડ આરંભાઈ જાય. હવે તો વિદેશમાં થાય એવું આપણે ત્યાં પણ થવા લાગ્યું છે, એક બે અઠવાડિયા થઇ જાય પણ પાડોશી સાથે સંવાદ કરવાનો પણ સમય ન મળ્યો હોય. જીવન રાબેતા મુજબ સતત ચાલતું રહે, પણ ક્યાંક સોસાયટીમાં પાણી કે લાઈટ જાય કે તરત આપણે સહુ ભેગા મળી જઈએ છીએ, “તમારે ત્યાં લાઈટ છે??” એવો પ્રશ્ન સૌથી પહેલો પાડોશીને જ પૂછીએ છીએ ને? રસ્તા ઉપર દ્રષ્ટિ કરો તો હજારો વાહનો આમથી તેમ ગતિ કરતા નજરે ચઢે, ટ્રાફિકમાંથી વહેલો રસ્તો કેમ કઢાય, વહેલું જે-તે સ્થળે કેમ પહોંચાય એની જ પળોજણમાં આપણે ગતિ કરતા હોઈએ છીએ. આજુબાજુમાંથી કોણ પસાર થાય છે એની પણ પરવાહ આપણને ક્યાં છે? પણ ક્યાંક કોઈક અકસ્માત થાય તો? ગાડીના સીટ કવર ઉપર પડતા ડાઘની પરવાહ કર્યા વિના એ લોહી નીતરતા માનવીને બચાવવા આપણે આપણી ગાડીને એમ્બ્યુલન્સ બનાવતા પણ ખચકાતા નથી. સુમસામ દેખાતા રસ્તા ઉપર પણ કોઈ અકસ્માત થાય અને તરત પાણીથી માંડીને ડેટોલ-સેવલોન કે પછી રૂ જેવી સેવાઓ ઘડીના છઠ્ઠા ભાગમાં પહોંચાડી દેતા આપણે એ વાતની સાબિતી આપીએ છીએ કે હજુ આપણી અંદર કોઈક બેઠું છે!

જરા વિચારો, વિશ્વના કોઈ અજાણ્યા ખૂણામાં વસતા વ્યક્તિઓ પ્રત્યે સંવેદના દાખવીને આપણે શું મેળવી લેવાના?? શા માટે આપણું હ્ર્દય કોઈકની પીડા જોઈને વેદનાની ચીસ પાડી ઉઠે છે? કારણ માત્ર એટલું જ કે તેજ રફ્તારથી ભાગતી આપણી જીંદગીઓમાં પણ ક્યાંકને ક્યાંક આપણે સહુ એકબીજાથી જોડાયેલા છીએ. કુદરત સામે માનવી લાચાર છે, ત્યારે સેવાના અસંખ્ય અદૃશ્ય હાથો ન જાણે ક્યાંથી કોઈકને જમીન ઉપરથી ઉપાડીને ફલક ઉપર બેસાડી જતા હોય છે. જાત-ભાત કે ધર્મભેદ ભૂલાવીને કુદરતે નોતરેલા આવા કોઈ વળાંક પાસેથી જયારે આપણા જીવનનો રસ્તો પસાર થાય છે ત્યારે જીવનના આવા કોઈક વળાંકે આપણે સહુ એક બની જઈએ છીએ. આપણા જીવનમાં આવતી આવી કોઈક આપત્તિઓનો વળાંક એટલે ખરેખર તો ઈશ્વરે આપણી કસોટી કરવા સર્જેલો “માનવતાનો વળાંક!” જીવનમાં ભલે કોઈની પણ સાથે ગમે-તેવા વેર હોય પણ આવી તમામ કુદરતી કે માનવ સર્જિત આફતોએ તમારી અને મારી અંદર રહેલો નરસિંહ હૂંડી લખી નાખતો હોય છે. આકાશ તરફ દ્રષ્ટિ કરી હૂંડી લખતા લોકોની હૂંડી દુનિયાના કોઈક ખૂણે વસતા શામળશા શેઠ હસ્તે મોઢે સ્વીકારે પણ છે અને સમય આવ્યે એમની વહારે ધાય પણ છે. જાણ્યે-અજાણ્યે આપણે સહુ ક્યારેક નરસિંહ મહેતા છીએ તો ક્યારેક શામળશા શેઠ! પરંતુ કેન્દ્રમાં ભક્તિ માનવતાની છે કે જે કોઈ એક વળાંકે આપણને સહુને માનવી હોવાનો ગર્વ કરાવતી જાય છે અને કદાચ એટલે જ પ્રત્યેક કુદરતી આપત્તિ ટાણે હરિ-હરનો સાદ દુનિયામાં અવિરત સંભળાતો રહે છે, નહિ?

લબુક-ઝબુક:

||આત્માર્થમ જીવલોકેસ્મિન કો ન જીવતી માનવ: ||
||પરં પરોપકાર્થમ યો જીવતી સ જીવતી ||

આ વિશ્વમાં પોતાને માટે કયો માણસ નથી જીવતો?
પણ પરોપકાર માટે જે જીવે છે એને જ જીવ્યો ગણાય છે!

-સ્ટ્રીટ લાઈટ, તિર્થંક રાણા

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s