【પહેલા વરસાદે- અંતરની રથયાત્રા!】

【પહેલા વરસાદે- અંતરની રથયાત્રા!】-(✍️ તિર્થંક રાણા, પંચામૃત પૂર્તિ, ફૂલછાબ સમાચાર)

કોટે મોર ટહુકીયા અને વાદળ ચમકી વીજ; મારા રૂદાને રાણો હામભર્યો એ જોને આવી અષાઢી બીજ! કવિ શ્રી ઝવેરચંદ મેઘાણીની અજર અમર રચના "નવી વર્ષા"ની આ પંક્તિઓ પહેલા વરસાદે યાદ ન કરીએ એ કેમ ચાલે? લ્હાય બળે એવું ગરમ-ગરમ પાણીનું તપેલું બંસીધર મેહતાના પત્ની નરસૈયાને ન્હાવા માટે એની સામે ધરે અને નરસૈંયાના મલ્હાર રાગ ઉપર મેઘ મલ્હાર કરી ગરમ પાણીને નાહવા યોગ્ય બનાવી દે એવી અદભુત ધરતીના આપણે સંતાનો છીએ! કદાચ દર વર્ષે આવી જ રીતે ભક્ત નરસૈંયો અજ્ઞાત રીતે સૂરજના તાપથી ત્રસ્ત ધરતી માટે મલ્હાર ગાતો હશે અને એટલે જ નરસૈંયાના નાદે મેઘદૂત આપણી ધરતી ઉપર વરસવા દોડી આવતો હશે, નહિ? વેરાન અને કોરા માનસપટ ઉપર પ્રિયતમના આગમનથી જે ઘોડાપુર આવે એવું જ લીલું છમ ઘોડાપુર ધરતીને આવતું જોવાની ઋતુ એટલે વર્ષાઋતુ!

સૂકીભટ વેરાન જમીન ઉપર જાણે કોઈ કૃષ્ણનું અજ્ઞાત મોરપિચ્છ ફેરવી ગયું હોય એવી લીલોતરી પહેલા જ વરસાદે આપણી આસપાસ નજરે ચઢે. જાણે આખાય વર્ષની વિરહની તૃષ્ણાને ધરતીનો પ્રિયતમ એક ઘડીમાં તૃપ્ત કરી દેતો હોય એવું તન-બદનને તૃપ્ત કરી દેતા વાતાવરણનો અનુભવ એટલે ધરતીના નાથનું ધરતી ઉપર થતું આગમન! અષાઢ મહિનો આપણા સહુ માટે ખાસ છે; બાળક હોય કે વૃદ્ધ, ચોમાસાની રાહ દરેક વ્યક્તિ દ્વારા જોવાતી હોય છે. તો વળી પહેલા વરસાદનું સ્વાગત કરવાનો આપણા સહુનો 'સ્વેગ' પણ અનેરો રહેતો હોય છે. પહેલો વરસાદ એટલે?? તમામ વ્યથાને બાજુએ મૂકી પહેરેલે કપડે અગાસી ઉપર કે ફળિયામાં મુક્ત મને બંને હાથ ખુલ્લા કરી વરસાદને આલિંગન દેવાની મજા. પહેલો વરસાદ એટલે પાણી ભરાયેલા ખાબોચિયામાં છબછબિયાં કરી કાગળની કશ્તી ચલાવવાની મજા. ચણાના લોટે ગરમ તેલમાં લગાવેલી પાવન ડૂબકી, તો બીજી બાજુ રસ્તાને કિનારે લાલ અંગારા ઉપર શેકાતી મકાઈની મીઠાશ. તન-મનને આહલાદક કરી દેતી ભીની માટીની સુગંધ અને મુશળધાર વરસાદે છાપરા અને રસ્તાઓ ઉપર છેડેલી સુગમ-સંગીતની રમઝટ. ટુ- વ્હીલર ઉપર ભીંજાતા કપડે ખવાતી ગરમા-ગરમ મેગીનો ટેસડો અને રોમ-રોમ તરો તાજા કરી દેતી મસાલેદાર ચ્હા. પાયજામા કે પાટલુન ત્રણ-ચાર ઇંચ ઉંચા ચઢી જાય અને ઘરની અંદર ખીટીઓ ઉપર કપડાં સૂકવવા નાડીઓ બંધાય. જાણે એક ઘડીમાં કોઈ જાદુગર છડી ફેરવી ગયો અને આપણી આસપાસની આખી તસ્વીર બદલાઈ ગઈ! અરે સાક્ષાત ઈશ્વરને પણ નગર- ચર્યા કરવાનું મન થઇ આવે એવી અનેરી મોસમ એટલે આપણા મોંઘેરા મહેમાન એવા ચોમાસાનું આપણા વિસ્તારમાં આગમન!

આપણું જીવન કેટલી જાત-ભાતની પરિસ્થિતિઓથી ઘેરાયેલું હોય છે નહિ? જીવનને જો ઋતુચક્ર જોડે સરખાવીએ તો ઉનાળો એ આપણે આપણા જીવનમાં તનતોડ કરેલી મહેનત છે. આગ ઝરતી ગરમીમાં શ્વેત રક્તથી લોથપોથ થયેલો મનુષ્ય જયારે સતત અને અથાક પરિશ્રમ કરવાનું ચાલુ રાખે છે ત્યારે એના પરસેવાથી બાષ્પીભવન થઇ ઉપર ચઢેલા વાદળો એના જીવનમાં સફળતારૂપી ચોમાસુ લઈને આવતા હોય છે. સફળતાનાં આ વરસાદમાં ન્હાવાનું સદ્ભાગ્ય એને જ પ્રાપ્ત થતું હોય છે કે જે પહેલા પરસેવે ન્હાય છે! તો વળી કરેલી મહેનતનું ફળ આપણા ધાર્યા મુજબનું જ મળે એ પણ જરૂરી નથી હોતું. પરંતુ ગીતામાં કહ્યું છે એમ, માણસ માત્ર એ મહેનત કરવાનું સતત ચાલુ રાખી ફળની ઈચ્છાએ કામ કર્યે જવાનું! કરેલી મહેનતનું ફળ દેવાનો અધિકાર ભલે ઈશ્વર પાસે રહ્યો પરંતુ કર્મ કરવાનો જુસ્સો અને જિજ્ઞાસા માનવીએ જાતે કેળવવી પડતી હોય છે. ક્યારેક ઓછા ઉનાળે વધુ વરસાદ જીવનમાં આવતો હોય છે તો ક્યારેક જીવનમાં તનતોડ મહેનત કર્યા બાદ પણ સફળતાનો વરસાદ નથી પડતો. આ બંને પરિસ્થિતિઓમાં પણ જે સમતોલ રહી પોતાનું કાર્ય યથાશક્તિ કરતો રહે છે એના નસીબમાં શિયાળરૂપી ઠંડક લાધે છે કે જેમાં ચોમાસે વાવેલું બીજ સફળતાનાં ફળ સ્વરૂપ મળી રહેતું હોય છે . આવી પરિસ્થિતિમાં પણ તે મહેનત કરવાનું છોડી શકતો નથી કારણ કે ફરી જીવનમાં કોઈ એક નવો પડકાર ઉનાળારૂપે એની પ્રતીક્ષા કરતો ઉભો જ હોય છે ને? આમ આપણા બધાના જીવનમાં સતત અવિરત પણે ઋતુચક્ર ભજવાતું રહેતું હોય છે. ૧૪૨મી રથ યાત્રા જગન્નાથ પુરીથી અષાઢીબીજને દિવસે આરંભાશે ત્યારે ઈશ્વર દ્વારા કરવામાં આવતી નગર યાત્રા એ આપણા બધા માટે એક અવસર છે આપણી અંદર પંડની પેટીમાં પડેલા પારસને આપણી પ્રત્યેક નસોમાં અનુભૂતિ કરવાનો!

આ અવસર છે પોતાને સ્વયં સાથેનો મેળાપ કરવાનો અને આ અવસર છે નવા સંકલ્પરૂપી બીજ આપણા માનસમાં રોપવાનો; એને સીંચવાનો કે જે આવનારા સમયમાં આપણને ઈચ્છીત ફળ આપી શકે; જીવનને મહેકાવી શકે. ઈશ્વરની નગરચર્યા સાથે થતું ચોમાસાનું આગમન એ માનવી અને કુદરત વચ્ચે અદૃશ્ય રીતે સર્જાતો સેતુબંધ છે કે જે પ્રાણ અને પ્રકૃતિનો મેળ કરાવી જાણે છે. એરકંડીશન રૂમમાં હો કે કે પછી રસ્તા ઉપર કોઈ વાહનમાં મુસાફરી કરતા હો; રીમઝીમ વરસતા વરસાદમાં અંતરની બારી ખોલી; આંખો બંધ કરી જયારે વરસાદના અમૃતરૂપી ટીપાને પોતાના હાથ ઉપર ઝીલશોને ત્યારે અંતરમાં રહેલો જગન્નાથ શરીર યાત્રાએ નીકળ્યો હોય એવી અનુભૂતિ રોમ-રોમમાં અનુભવાશે અને એ જ છે આપણા પ્રાઇવેટ ઈશ્વરની આપણી અંદર વસતા શહેરના માર્ગો ઉપરથી પસાર થતી રથયાત્રા!!

લબુક-ઝબુક:

તું મન મૂકીને વરસી તો જો!
માટીનો છું મહેકી ઉઠીશ!
-અજ્ઞાત

-સ્ટ્રીટ લાઈટ, તિર્થંક રાણા

One thought on “【પહેલા વરસાદે- અંતરની રથયાત્રા!】

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s