【તમે ક્યાં ના??…. કઈ જાતિ ના??】

【તમે ક્યાં ના??…. કઈ જાતિ ના??】
-તિર્થંક રાણા, પંચામૃત પૂર્તિ, ફૂલછાબ સમાચાર

ભારતીય સંવિધાનની વાત કરીએ તો આટલી મોટી વસ્તીને લાગુ પડતી કાયદા-કાનૂનની ભગવદ્દગીતા દાદ માંગી લે એવી છે. આટલી મોટી લોકશાહીના નિયમો ઘડીને આંબેડકર સાહેબે જે ચમત્કાર કર્યો છે એના વખાણ કરીએ એટલા ઓછા છે. પરંતુ દુર્ભાગ્ય માત્ર એટલું જ છે કે પ્રજા શાષિત રાષ્ટ્રમાં આપણે જાતે જ કાયદાને તોડી મરોડીને બે ગાડીઓ વચ્ચેથી આપણું વાહન કાઢી લેતા શીખી ગયા છીએ. આજે પરિસ્થિતિ એ હદે વણસી ચુકી છે કે ૯૭ ટકા માર્ક્સ ધરાવતી સામાન્ય કેટેગરીમાં આવતી વ્યક્તિ મેડીકલમાં એડમિશન લેવાથી વંચિત છે તો બીજી બાજુ ગમે તેટલા હોશિયાર હોવા છતાં પણ પછાત વર્ગના વિદ્યાર્થીએ આજીવન એવું ટેગ લઈને ફરવાનું આવે છે કે એને મેડીકલમાં એડમિશન એટલા માટે મળ્યું કારણ કે એ પડતર જાતિનો છે! ભારતીય સંવિધાનમાં કલમ ૧૪થી ૧૮ એ સમાનતાનો અધિકાર આપતી કલમ છે. હાલમાં આપણા માંહ્યલાને અંદરથી ઢંઢોળતી એક ફિલ્મ "આર્ટિકલ ૧૫" સિનેમાઘરોમાં આવી. સામાજિક સમાનતા અને જાહેર સ્થળોએ હરવા-ફરવાનો સમાન અધિકાર આપતો આર્ટિકલ એટલે આપણા સંવિધાનનો આર્ટિકલ-૧૫! આ આર્ટિકલ અનુસાર કોઈપણ વ્યક્તિનો ધર્મ, વર્ણ, જાતિ, લિંગ કે જન્મ સ્થળને આધારે ભેદભાવ થવો જોઈએ નહિ. દેશની દરેક વ્યક્તિ જાહેર સ્થળો એ હરવા ફરવાનો સમાન અધિકાર ધરાવે છે.

"આર્ટિકલ ૧૫" ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મે આપણા દેશના એક એવા ખૂણા ઉપર પ્રકાશ પાડવાનો પ્રયાસ કર્યો છે કે જે ખૂણેથી આપણે રોજ પસાર તો થઈએ છીએ પણ આપણી દ્રષ્ટિ નથી પડતી. જરા વિચારો, એક અઠવાડિયું સફાઈ કામદારની ગાડી કે જેને આપણે "કચરાવાળી ગાડી" ના નામથી સંબોધીએ છીએ એ આપણા શેરી મહોલ્લાનો કચરો લેવા ન આવે તો?? આપણા ઘરે આપણા એઠા વાસણ ઘસતા અને સંજવારી કરતા લોકો એક મહિનો આપણા ઘર તરફ મોઢું પણ ન ફેરવે તો? રોજ સવારે રસ્તાની બાજુએ "ભણેલી-અભણ" પ્રજાએ જેમ-તેમ ફેંકેલા કચરાને ઉપાડવાવાળા લોકો એકાએક પૃથ્વી ઉપરથી ગાયબ થઇ જાય તો? બીજી બાજુ લગ્નથી માંડીને મૃત્યુ સુધીના કર્મકાંડ કરાવવાવાળા બ્રાહ્મણ આપણા સમાજમાંથી અલિપ્ત થઇ જશે તો? આપણી પરિસ્થિતિ કઈ હદે વણસી શકે એનો અંદાજ આપણે લગાવી શકીએ ખરા? આ સમાજ સંતુલનથી ચાલે છે. હિન્દૂ ધર્મમાં પ્રચલિત ચાર વર્ણો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ સમાજની ગાડીના ચાર પૈડાં છે. એમણે સ્વગત સ્વીકારેલા પોત-પોતાના કાર્યથી જ આજે આપણો સમાજ ચાલે છે. જો આ ચાર પૈડામાંથી કોઈપણ પૈડું ખોરવાઈ જાય ને તો સમાજ વ્યવસ્થા અસ્ત-વ્યસ્ત થઇ શકે છે. સદીઓ વીતતી જાય છે પણ એક સવાલ આપણને પ્રત્યેક સદીમાં ટટળાવે છે કે, "આપણે કઈ સદીમાં જીવી રહ્યા છીએ?" સદીઓ જુના ઉચ્ચ-નીચના ભેદભાવ ક્યાં સુધી ચલાવ્યે રાખવાના? કોઈપણ અજાણ વ્યક્તિને પહેલી વખત મળીએ ત્યારે આપણો મૂળભૂત પ્રશ્ન એક જ રહેતો હોય છે કે "તમે ક્યાંના?" અને બીજો પ્રશ્ન, "કઈ જાતિના?" વિના સંકોચે વ્યક્તિ ઉપર એની પ્રાદેશિકતાની છાંટ ચોક્કસ વર્તાતી રહેતી હોય છે, પણ વ્યક્તિના પ્રાદેશિક રહેઠાણને લઈને કે પછી એની જાતિને આધારે વ્યક્તિ પ્રત્યેનો અભિપ્રાય બાંધી લેવો એ આપણા દ્વારા જે-તે વ્યક્તિ પ્રત્યે કરવામાં આવતો અન્યાય છે. આજે એવા પણ બ્રાહ્મણ છે કે જે ધીકતો ધંધો કરે છે અને એવા પણ વૈશ્ય કે શુદ્ર છે કે જે કોઈ ખાનગી કે સરકારી કમ્પનીમાં ઉંચા દરજ્જા ઉપર રહીને નોકરી કરતા હોય છે. માત્ર વર્ણના નામે દીવાલો ઉભી કરીને આપણે એકબીજા ઉપર ઉંચા કે નીચા હોવાનું ટેગ લગાવતા ફરીએ તો છીએ પણ ક્યાં કુળમાં જન્મ લેવો એ આપણને પૂછવામાં આવ્યું હતું ખરું?? "આર્ટિકલ ૧૫" ફિલ્મમાં કહેવામાં આવ્યું છે એમ આજે આપણે કાં તો હરિજન છીએ અને કાં તો બહુજન છીએ બસ "જન" નથી બની શકતા! ચક-દે ઇન્ડિયા ફિલ્મ યાદ છે?

આજે કોઈક બંગાળથી છે તો કોઈક હરિયાણાથી, કોઈક પંજાબથી છે તો કોઈક મહારાષ્ટ્રથી પરંતુ જરૂર છે એક વિદ્યા શર્માની કે જે ફક્ત ને ફક્ત "ભારત" થી છે. આપણે તો ગંગામાં મહાકુંભની ડૂબકી લગાવતા લોકો છીએ સાહેબ! બસ જરૂર છે આપણી ઉભરાતી ગટરોમાં ડૂબકી લગાવી આપણા શેરી-મહોલ્લાને સ્વચ્છ રાખતા લોકો તરફ દ્રષ્ટિ કરવાની; એમને રોજ સવારે સ્મિત સાથે "ગુડ-મોર્નિંગ" કહેવાની; મુન્નાભાઈ વાળી જાદુકી જપ્પી ન દઈ શકીએ તો કાંઈ નહિ પણ આપણી દ્રષ્ટિથી એમને સન્માનની જપ્પી પણ મળી જશે ને તો એમનો દિવસ સુધરી જશે! તો બીજી બાજુ એ દિશામાં પ્રયાસ કરવાની જરૂર છે કે જેથી દેશમાં જન્મેલું અને મહેનત કરતું યુવાધન એમને કરેલી મહેનત અનુસાર એમને ગમતી કોલેજમાં એડમિશન લઇ શકે! જાતિઓમાં અટવાવા કરતા આર્થિક રીતે પછાત વર્ગ પછી એ બ્રાહ્મણ હોય કે શુદ્ર એને જો ઉપર લાવી શક્યાને ત્યારે ભારતનો સિતારો વિશ્વ ફલક ઉપર ચમકશે! ઇતિહાસ ગવાહ છે, "કચરા" એ ફિરંગીઓની હેટ્રિક પણ ત્યારે જ લીધી હતી કે જયારે આખા સમાજે એને સમાન દરજ્જો આપ્યો હતો અને ત્યારે જ કોઈક "ભુવન" વિજયી છગ્ગો ફટકારી દેશને વિશ્વ ફલક ઉપર ચમકાવી શક્યો હતો ને?

લબુક-ઝબુક:
શાળામાં ગવાતી પ્રાર્થના “સહના વવતુ-સહનૌ ભુનકતુ…!”
જીવનમાં ગવાય તો??

-સ્ટ્રીટ લાઈટ!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s