【કોરોનાની બીજી અને ત્રીજી લહેર વચ્ચેનો બ્રિધીંગ ટાઈમ મહત્વનો છે!】

એક હતું જંગલ. એ જંગલમાં તીડ અને કીડી રહેતા હતા. ઉનાળાની ઋતુ હતી. તીડ તો હસતું ગાતું અને આનંદ કિલ્લોલ કરતું. જ્યારે આ બાજુ કીડી પોતાનું દર બનાવવામાં વ્યસ્ત હતી. એકાએક તીડની દ્રષ્ટિ કીડી ઉપર પડી. એટલે તીડે પૂછ્યું કે “કીડીબેન, આટલી સરસ ઋતુ છે અને તમે આ કઈ માથાકૂટમાં પડ્યા છો?”, કીડીએ ઉપર આકાશ તરફ જોઈને કહ્યું,” ચોમાસુ આવવાનું છે એટલે પોતાના રક્ષણ કરવા માટે દર બનવું છું.” “અરે! વરસાદમાં તો ન્હાવાની કેવી મજા આવે…એની માટે કાંઈ દરમાં થોડું સંતાવાનું હોય!” તીડ અટ્ટહાસ્ય કરીને બોલ્યું. કીડીએ તીડને કોઈ જવાબ આપ્યો નહીં. સમય વીત્યો અને વરસાદ પડ્યો. કીડી એની તૈયારી મુજબ દરમાં બેસી ગઈ. આ બાજુ તીડ તો વરસાદ પડતાં હજુ વધારે આનંદમા આવી ગયું. એ તો મસ્તીથી ન્હાય અને જલસા જલસા કરે! જેવો વરસાદ રોકાયો અને કીડી ફરી બહાર નીકળી આમથી તેમ દોડવા લાગી. તીડને ફરી નવાઈ લાગી! એણે કીડીને પૂછ્યું, “કેમ કીડી બે’ન હવે કેમ દોડો છો?” કીડીએ ફરી આકાશ તરફ જોઈને કહ્યું,” શિયાળો આવવાનો છે, ઠંડી પડશે એટલે દરમાં થોડો સમય ચાલે એટલું અનાજ તો ભેગું કરવું પડે ને?” કીડીની વાત ઉપર તીડને ફરી હસવુ આવ્યું. જેવી રીતે હસતા ગાતા ચોમાસુ નીકળી ગયું એ જ રીતે શિયાળો પણ નીકળી જશે એમ એણે મનમાં વિચાર્યું અને કીડીને કહ્યું,”તારી આખી જિંદગી આમ જ નીકળી જવાની! મને જો હું કેવો આનંદ કિલ્લોલમાં સમય પસાર કરું છું.” કીડીએ આ વખતે પણ એને કોઈ જવાબ આપ્યો નહીં. કીડીએ સમયસર જીવન ટકી રહે એટલું ભોજન એકઠું કર્યું અને તીડ આખું ચોમાસુ નાચતું કૂદતું રહ્યું. સમય વીત્યો અને આવ્યો શિયાળો! જંગલમાં હાડ થિજાવતી ઠંડી પડી. કીડી આ પરિસ્થિતિ માટે પહેલેથી જ તૈયાર હતી એટલે એ એના દરમાં જઈને શાંતિથી બેસી ગઈ. એની પાસે ઠંડી સામે રક્ષણ આપે એવું દર હતું, જીવન ટકાવી શકાય એટલું અનાજ હતું. આ બાજુ તીડ ઠંડીમાં થરથરવા લાગ્યું. ઉનાળો અને ચોમાસુ એણે મોજ મજા કરવામાં વેડફી નાંખ્યા અને આજે જ્યારે હાડ થિજાવતી ઠંડી પડે છે ત્યારે ન તો એની પાસે ઘર છે અને ન તો ખાવા માટે અનાજ!
    અંગ્રેજી વિષયની ચોપડીમાં “ક્રિકેટ” નામનો એક પાઠ આવતો હતો. આ વાર્તા એ જ છે. તીડ અને કીડીની આ વાર્તાને આપણા જીવન સાથે સરખાવીએ તો ઉનાળો એ કોરોનાની પ્રથમ લહેર હતો. ચોમાસુ તે એની બીજી લહેર ગણી શકાય અને શિયાળો તે કદાચ ત્રીજી લહેર! કોરોનાની ત્રીજી લહેર કેટલી ભયાનક હશે કે નહીં હોય તે વાતનો નિર્ણય આપણે કોરોના પ્રત્યેનો કેવો અભિગમ દાખવીએ છીએ એ બાબત કરવાની છે. સહુ કોઈ ઉપરની વાર્તા મુજબ કીડી બનવા માંગે છે પરંતુ હકીકત એ છે કે જાણ્યે અજાણ્યે તીડ બની જવાતું હોય છે. પાણીપુરીની લારી ઉપર જમા થયેલી ભીડ હોય, કોઈ પ્રસંગમાં જાણે મળ્યા વગર રહી ગયા હોઈએ એમ સોશ્યલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડીને એલબીજામાં મોઢું ઘુસાડીને કરવામાં આવતી વાતો, નાકની નીચે લટકતું માસ્ક, હાથ ધોવામાં સતત કરવામાં આવતી ઘોર બેદરકારી, સરકાર દ્વારા થતી છૂટ છાટોનો દુરુપયોગ, વેક્સિન લેવા પ્રત્યે ઉદાસીનતા આ બધા પેલા તીડ બનવાના લક્ષણો છે. ભૂલ માણસ પોતે કરે છે આ વિધાન નક્કર સત્ય છે.
    કોરોનાની બીજી અને ત્રીજી લહેર વચ્ચેનો હળનો સમયગાળો કીડીની જેમ મહેનત કરવાનો છે. પોતાની રોગપ્રતિકારક શક્તિને બને એટલી બુસ્ટ કરવાનો આ સમય છે. વેક્સિન લઈને પોતાની જાતને તૈયાર કરી દેવાનો આ સમય છે. જો માત્ર અને માત્ર આનંદ કિલ્લોલમાં સમય પસાર કરી દીધો તો આપણી પણ હાલત તીડ જેવી જ થશે એમાં બે મત નથી જ! બ્રિટન, કોલમ્બિયા જેવા દેશોમાં ત્રીજી લહેર શરૂ પણ થઈ ચૂકી છે. આપણે ત્યાં ડેલ્ટા પલ્સ વેરીયન્ટના ૪૦ કેસ નોંધાઇ પણ ચુક્યા છે. માટે જ બે લહેર વચ્ચેનો આ બ્રિધીંગ ટાઈમ વેડફવા જેવો નથી પરંતુ ઉપયોગ કરી લેવા જેવો છે. સમયસર રાખવામાં આવતી સાવચેતી એક મોટી હોનારત ટાળી શકે એમ છે ખરું ને?

લબુક-ઝબુક:
જેણે પરિક્ષા પૂર્વે મહેનત નથી કરી એને સહેલું પ્રશ્નપત્ર પણ અઘરું જ લાગવાનું!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s