કેટલું બધું સાહિત્ય છે આપણી આસપાસ સાહેબ! તમે જે વિષય માંગો એ વિષયનું સાહિત્ય બસ હાથ વેંતમાં તમારી પાસે ઉપસ્થિત થઈ શકે એમ છે. તો બીજી બાજુ એ સાહિત્યોના સર્જન કરવાવાળાની પણ આજે ખોટ નથી. કેટલાંક એવરગ્રીન લેખકોના સદાબહાર સાહિત્યો છે, કે જેને તમે સમયાંતરે વાંચ્યા જ કરો પણ ધરાવ નહીં, તો વળી કેટલાંક આજના સમયના ગીતો જેવા છે, એક કે બે વાર સાંભળો પછી વધુ વખત સાંભળવાની ઈચ્છા થાય નહીં. પણ આ બધાની વચ્ચે આજે વાત કરવી છે એ લોકોની કે જેની સામે આ સાહિત્યો પીરસાય છે. જે લોકો આ સાહિત્યોને કાં તો આભની ઉંચાઈએ પહોંચાડે છે અને કાં તો જમીન ઉપર પટકે છે. આ લોકો એટલે એ સાહિત્યોનું પય-પાન કરનારા વાચકો!
મોરારી બાપુની કોઈ એક કથાનો વિડીયો જોતો હતો અને એમાં બાપુએ શ્રોતા વિશે વાત કરી. બાપુએ કીધું કે શ્રોતા મહાન છે. તુલસીદાસજી એ પણ પહેલું સંબોધન કથા સાંભળનારનું કર્યું અને ત્યારબાદ કથા ગાનારનું સંબોધન કર્યું છે. બાપુની આ વાત ઉપરથી મેં એક વાર્તા બનાવી છે.
એક ગામમાં એક ઉત્તમ કથાકારને કથા કહેવાનું આમંત્રણ મળ્યું. એની કથા કહેવાની ઢબ એટલી ઉત્કૃષ્ટ હતી કે માહોલ બનાવી દેતો હતો. પણ તકલીફ એ હતી કે ગામનાં બીજા બધા જ લોકો કાને બહેરા હતા! એની કથા સાંભળવા આવે ખરા પરંતુ કથા “સાંભળે” નહીં! એટલે તકલીફ એવી પડતી હતી કે જ્યાં વિષાદનો પ્રસંગ હોય ત્યાં તાળીઓ વગાડે અને જ્યાં આનંદનો પ્રસંગ આવે ત્યાં રુદન કરે! આવું લગભગ પાંચ દિવસ ચાલ્યું! છઠ્ઠે દિવસે કથાકારની ધીરજ ખૂટી એણે આયોજકને બોલાવ્યા અને લોકોના આવા વિચિત્ર વર્તન માટે ખુલાસો માંગ્યો. તો આયોજકો એ કીધું કે, “ક્ષમા કરજો આ બધા લોકો કાને સાંભળી શકતા નથી.” કથાકારને આંચકો લાગ્યો. “તો પછી મને શું કામ બોલાવ્યો અહીં?” કથાકારે ગુસ્સે થતા કહ્યું. “અમારે નક્કી કરવું’તું કે ખરેખર બધા બેરા છે કે નહીં!” એવી જ રીતે જીવનની ઘટમાળમાં આવા ઘણા લોકો આપણને ભટકાય છે કે જે આપણને આપણા સાહિત્યના સાચા પ્રત્યાઘાતનો અર્થ સમજાવી જતા હોય છે.
જરા વિચાર તો કરો સાહેબ! એકસાથે પચાસ કરોડ લોકો એ આઈડિયા અને વોડફોનના સીમકાર્ડ છોડીને જીઓ વાપરવાનું શરૂ કર્યું તો હાલત એ બની કે કરોડોની કમાણી કરતી બે સેલ્યુલર કમ્પનીઓએ ભેગા થવું પડ્યું અને તેમ છતાં હજુ ઠેકાણે પડતા નથી! કરિયાણાની દુકાન ઉપર આવતા તમામ ગ્રાહકો જો કોઈ એક બ્રાન્ડનો બહિષ્કાર કરે ને તો એ બ્રાન્ડ માટે ટકી રહેવું મુશ્કેલ બની જાય! માટે જ એમ ખાતરી પૂર્વક કહી શકાય છે કે મારા જેવા સાહિત્યના સર્જન કરવાવાળા ભલે ગમે તેટલા અભિમાનમાં રાચે પણ સાચું નાણું મારે શામળો! અને આ શામળો એટલે કોણ? સાહિત્યને વાંચનની ઉંચાઈ આપનારા એના વાચકો! બાકી તો..અમારે પહેરણ જાજ પખાજ રે…શામળા ગીરધારી!
લબુક-ઝબુક:
દર અઠવાડિયે લેખરૂપી હૂંડી મારા બધા શામળશા શેઠને મોકલીએ,
ક્યારેક સ્વીકારે ક્યારેક મોડા સ્વીકારે…
આપણે હૂંડી લખતા રે’વાના બાપ!