【અંધારામાં ખાધેલો આઈસ્ક્રીમ: જીવન】

મને આઈસ્ક્રીમ ખૂબ ભાવે. નાનો હતો ત્યારથી આ મારી એક નબળાઈ રહી છે કે કોઈક દ્વારા આપેલા આઈસ્ક્રીમની ઓફરને ના ન પાડી શકું. પણ હા! પ્લેન આઈસ્ક્રીમ હોવો જોઈએ હો! અંદર ચાવવું પડે એ જરા અસહ્ય લાગે. ચોકલેટના ટુકડાની વાત અલગ છે. આ પૃથ્વી ઉપર મને મારા જેવા અનેક જીવો ભટકાયા છે કે જે પ્લેન આઈસ્ક્રીમ જ ખાતા હોય. તો વળી વ્યક્તિ વ્યક્તિએ આઈસ્ક્રીમ ખાવાની રીત પણ બદલાઈ જતી હોય છે. ધારોકે કોઈ એક ચોકોબાર કેન્ડી છે તો કોઈક એને બટકા ભરીને ખાય કે જેથી ચોકલેટ અને અંદર રહેલા વેનીલા આઈસ્ક્રીમની મજા એકસાથે માણી લેવાય. તો કોઈક જીવો મારી જેમ પહેલા બધી ઉપર લાગેલી ચોકલેટ ખાઈ જાય અને પછી અંદર રહેલા વેનીલા આઈસ્ક્રીમની મજા ટેસડો પાડીને માણે! તો બીજી બાજુ પાર્ટી પેકમાંથી આપણા ભાગ્યમાં આવેલું આઈસ્ક્રીમનું ચોસલું કે પછી કોઈ કપમાં મળેલા આઈસ્ક્રીમને આરોગવાની રીત પણ જરા જુદી હોય છે સાહેબ! કેટલાંક ચમચી એ ચમચીએ આઈસ્ક્રીમમાં રહેલી ઠંડકને મોઢાસાર કરે તો કેટલાંક વળી મારા જેવા જીવો કે જે આઈસ્ક્રીમને દૂધ થવા દે અને પછી એની મજા માણે! આ બાબતમાં સહેજ પણ અતિશયોક્તિ નથી કરી રહ્યો કે સાચે જ મને મારી જેમ આઈસ્ક્રીમને દૂધ કરીને ખાનારા/પીનારા પણ અઢળક લોકો મળ્યા છે.
    નાનો હતો ત્યારે દાદા અને બા પાસે આઈસ્ક્રીમ માંગવાના બહાના શોધતો. દાદાના ગયા પછી બા પાસે પણ એ ક્રમ ચાલુ રાખ્યો. એમની પાસે જુદી જુદી રીતે આઈસ્ક્રીમ માંગવામાં એક મજા હતી. શરૂઆતમાં એ બાળ સહજ અભિલાષા હતી અને સમય જતાં એમની સાથે બે ઘડી ગમ્મત કરવાનું એ સાધન બની ગયું હતું. હું એક નહીં આખી નાત જમાડી શકું એટલા આઈસ્ક્રીમ ખરીદવા સક્ષમ થયો તો પણ એમની પાસે માંગીને, એમને રીતસર પટાવીને આઈસ્ક્રીમ ખાવાની મજા કંઈક અલગ હતી. વૃંદાવનમાં ચૌદ ભુવનનો નાથ માખણ ચોરીને કેમ ખાતો હશે એનો સાચો મર્મ મને ત્યારે સમજાયો હતો. એમની પાસે જ્યારે આઈસ્ક્રીમની માંગણી કરતો ત્યારે એમની આંખમાં આનંદની એક ચમક આવી જતી. દાદાના ગયા પછી એમની આંખોમાં આનંદની ચમક બસ ત્યારે જ દેખાતી જ્યારે હું આઈસ્ક્રીમ ખાવા જાતભાતના કાવાદાવા કરતો! મને ક્યાં ખ્યાલ હતો કે મારી આઈસ્ક્રીમ ખાવાની બાળસહજ અભિલાષા એક દિવસ મારા દાદીને આનંદની બે પળો અપાવનારી જવાબદારી બની જશે. સાચી મજા પછી આઈસ્ક્રીમ ખાવામાં નહોતી પણ એમની આંખોની એ ચમક જોવામાં હતી! આજે તેઓ હયાત નથી, પણ તોયે આઈસ્ક્રીમ અને મારી દોસ્તી અકબંધ છે.
    સમય વીત્યો છે એમ આઈસ્ક્રીમ ખાવાના સ્થાનો પણ બદલાયા છે. ક્યારેક રસ્તા ઉપર પુરપાટ દોડતા વાહનોને જોતા, હવાની ઠંડી લહેરકી માણતા માણતા આઈસ્ક્રીમ ખવાતો તો ક્યારેક ઘરના દિવાનખંડમાં કોઈ ફિલ્મ કે સિરિયલ જોતાં આઈસ્ક્રીમ ખવાતો. આજે રૂમના અંધારામાં સ્પ્લિટ એસીના આછા અજવાળા વચ્ચે આઈસ્ક્રીમ ખવાય છે. શું તમે ક્યારેય અંધારામાં આઈસ્ક્રીમ ખાધો છે? અંધારામાં આઈસ્ક્રીમ ખાવો એ જીવનના જુગાર જેવી વાત છે સાહેબ! ક્યો કોળિયો છેલ્લો હશે એની તમને પોતાને પણ ખબર રહેતી નથી. મારી જેમ જીવનરૂપી આઈસ્ક્રીમને દૂધ બનાવી પીનારા લોકો માટે આઈસ્ક્રીમની કઈ ચમચી છેલ્લી હશે એનો અંદાજ લગાવી શકાતો નથી. અને માટે જ જીવન એક અંધારામાં ખાધેલા આઈસ્ક્રીમ જેવું ભાસે છે. હજુ તો હમણાં તમે એને માણવાનું શરૂ કરો અને જોત જોતામાં એ સરી પડે. ઉપરવાળાએ વાટકો ભરીને જીવન આપ્યું. એને માણવા માટે ચમચી પણ આપી. પરંતુ એ વાટકો ભરીને જીવન જ્યારે પૂરું થાય છે સાહેબ ત્યારે જીવનને માણ્યાનો સંતોષ અને જીવન પૂરું થઈ ગયાનો અજંપો વ્યક્તિને એકસાથે અનુભવાય છે. આઈસ્ક્રીમની બાબતમાં કદાચ તમે વધુ ખાવા બીજો વાટકો ભરી શકો છો પણ જીવનના કેસમાં એવું નથી હોતું. એ તો વીત્યું ઈ વીત્યું! એકવાર આઉટ થયા એટલે નવી ગોળી નવો દાવ. ખરું ને?

લબુક-ઝબુક:
જીવન પેલા આઈસ્ક્રીમ જેવું છે,
એને માણવામાં જેટલી મજા આવે ને
એટલી મજા એના વર્ણનમાં ન આવે!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s